
નવી શિક્ષણ નીતિ (NEP) સામે પ્રશ્નાર્થ ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોનો વિરોધ, આંદોલનની ચીમકી આપી છેલ્લા ૧૫ વર્ષથી ચિત્ર શિક્ષકોની નવી ભરતી ન થતા રોષે ભરાયેલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ગાંધીનગરમાં આજે ચિત્ર શિક્ષકોએ પોતાની લાંબા સમયની માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છેલ્લા ૧૫ વર્ષથી ચિત્ર શિક્ષકોની નવી ભરતી ન થતા રોષે ભરાયેલા ઉમેદવારોએ શિક્ષણમંત્રીના છાજિયા લીધા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા દોઢ દાયકાથી આ વિષયમાં કોઈ મોટી ભરતી કરવામાં આવી નથી. સરકાર વારંવાર માત્ર આશ્વાસનો આપે છે પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. શિક્ષકોએ માંગ કરી છે કે રોસ્ટર મુજબ અને અનામતના નિયમો અનુસાર સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
આશ્ચર્યની વાત એ છે કે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ માં ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ જેવા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાતો વચ્ચે પણ ગુજરાતમાં આ વિષયોના શિક્ષકોની ભરતી ન થતા શિક્ષિત બેરોજગારોમાં સરકારની નીતિ અને નિયત સામે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
આજે ગાંધીનગર ખાતે એકઠા થયેલા સેંકડો ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું હતું કે, જાે આગામી દિવસોમાં સરકાર દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ઉમેદવારોએ હવે આશ્વાસન નહીં પણ ઓર્ડરની માંગ કરી છે અને જાે માંગ પૂરી ન થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




