
અનાજ વિતરણ સાથે જ કમિશન જમા કરાવવા માગ.ટુકડે ટુકડે મળતા કમિશનથી રેશનિંગના દુકાનદારો ત્રાહિમામ્ .દુકાનદારો માટે તેમને મળતું કમિશન જ મુખ્ય આવક હોઇ વીમાનું રક્ષણ જરૂરી હોવાથી તેનો અમલ કરવા માગ કરાઇ. રેશનિંગ દુકાનદારોના વિક્રેતા વેલફેર એસોસિએશન દ્વારા અનાજ વિતરણ કરાયાના એક મહિના બાદ પણ દુકાનદારોને એકસાથે નહીં પરંતુ ટુકડે ટુકડે કમિશનની રકમ મળતી હોવા મુદ્દે રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાશન વિક્રેતા વેલફેર એસોસિએશન દ્વારા નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંકીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે દુકાનદારો રેશનિંગના અનાજનું વિતરણ કરી દે તે પછી તેમને કમિશનની રકમ ચૂકવવાની હોય છે તેના બદલે થોડી થોડી રકમ દોઢથી બે મહિના જેટલા સમયગાળામાં મળતી હોય છે. જેના કારણે અનેક દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી થાય છે. તેથી હાલની પદ્ધતિના બદલે ગ્રાહક દુકાનમાંથી જથ્થો લે તે પછી તુરંત તેના એકાઉન્ટમાં મળવાપાત્ર રકમ જમા થતી જાય તેવી ડાયરેક્ટ કમિશન ટ્રાન્સફર પદ્ધતિ ગોઠવવી જાેઇએ. એસોસિએશનના અગ્રણી રાકેશ શાહે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે બજેટમાં પણ દુકાનદારને આપવાના કમિશનની રકમની જાેગવાઇ કરાયેલી છે ત્યારે દરેક મહિનાની આખર સુધી જેટલું વિતરણ થયું હોય તે અને તફાવતની રકમ પણ વેળાસર મળી જાય તેવું આયોજન કરવું જરૂરી છે. તે ઉપરાંત એવી પણ રજૂઆત કરાઇ છે કે કોરોનાકાળ દરમિયાન રેશનિંગના અનેક દુકાનદારોએ અનાજ વિતરણ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તેને ધ્યાનમાં લઇને દુકાનદારોને મેડિકલ વીમા કવચ પૂરું પાડવું જાેઇએ. તેમના પરિવારને પણ વીમા કવચ હેઠળ આવરી લેવા જાેઇએ. દુકાનદારો માટે તેમને મળતું કમિશન જ મુખ્ય આવક હોઇ વીમાનું રક્ષણ જરૂરી હોવાથી તેનો અમલ કરવા માગ કરાઇ છે.



