
બેન્ક ખાતાં ભાડે આપનારા બે ઝડપાયા.મહેસાણા પંથકમાં આંતરરાજ્ય સાયબર છેતરપિંડીનો પર્દાફાશ.પોલીસે લેપટોપ-૧, મોબાઈલ ફોન-૩, વિવિધ બેંકોનાં ૪ ડેબિટ કાર્ડ અને ૩ પાસબુક, સિમ કાર્ડ-૪, હિસાબની ડાયરી સહિત રૂ.૫૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યાે.મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનની ટીમે જાેટાણા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને પોલીસે બે શખ્સોને ઝડપી લઈ આંતરરાજ્ય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કર્યાે છે. જેઓ દિલ્હીમાં બેઠેલા સાયબર ઠગોને સામાન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે અપાવવાનું કામ કરતા હતા. ચાર જણા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સાંથલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જસ્મીનકુમાર અને મૌલિકકુમારને બાતમી મળી હતી કે, ઠાકોર સાવનજી પારખાનજી (રહે.ઈજપુરા-જેઠાજી, તા.જાેટાણા) તેના સાગરીતો સાથે મળીને લોકોને લાલચ આપી રૂ.૧૦થી ૧૨ હજાર આપીને તેમના નામે વિવિધ બેન્કોમાં ખાતાં ખોલાવે છે અને આ એકાઉન્ટની કિટ (ડેબિટ કાર્ડ, પાસબુક અને રજિસ્ટર્ડ સિમ કાર્ડ) દિલ્હીથી સાયબર ગુના આચરતા મળતિયાઓને પહોંચાડી ઠગાઈની પ્રવૃત્તિ આચરે છે. જે બાતમીના આધારે પીઆઈ કે.કે.ચૌધરી સહિતે બુધવારે રાત્રે જાેટાણા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને સાવનજી ઠાકોર અને નિકુલકુમાર બાબુલાલ વાળંદ (રહે.બેચરાજી, શંખલપુર રોડ, પુનમ સોસાયટી, મૂળ રહે.આધિવાડા, તા.બેચરાજી)ને ઝડપી લીધા હતા.સાવનજી પાસેથી મળેલા મોબાઈલમાં વોટ્સએપથી અલગ અલગ મોબાઈલ નંબરો સાથે બેન્ક એકાઉન્ટ લેવડદેવડ અંગેની વાતચીત થયેલી મળી હતી. તેની પાસેથી ગુજરાત ગ્રામીણ બેન્કનાં અન્ય બે જણાના નામના ખાતાંની બે પાસબુક અને એક ડેબિટ કાર્ડ મળ્યું હતું. ચારેક મહિના પહેલાં વાળંદ નિકુલે રૂ.૧૦ હજારમાં તેની પાસે એકાઉન્ટ ભાડે માગ્યાં હતાં. અત્યાર સુધી વિવિધ ૧૫થી ૨૦ એકાઉન્ટ તેણે આપ્યાં હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત સાવનજીના બેન્ક ઓફ બરોડાના ખાતા સાથે જાેડાયેલી રૂ.૬૬.૪૯ લાખની સાયબર ફ્રોડની ફરિયાદો NCCRP પોર્ટલ પર નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું. નિકુલ વાળંદ પાસેથી મળેલા બે મોબાઈલમાં પણ વિવિધ એકાઉન્ટમાંથી લેવડદેવડની વાતચીત થયેલી તેમજ વિવિધ બેન્કની એપનો ઉપયોગ થયેલો જણાયો હતો. તેની પાસેથી એક લેપટોપ, અન્યના નામનાં ડેબિટકાર્ડ, પાસબુક, સીમકાર્ડ મળી આવ્યાં હતાં. તેના HDFC બેંક ખાતા સાથે રૂ.૩૬ લાખની તેમજ IOB ખાતા સાથે રૂ.૩૬ લાખની સાયબર ફરિયાદો નોંધાયેલી હતી. આ રેકેટમાં રાજસ્થાનનો ‘વિકાસ’ અને દિલ્હીનો ‘હેરી’ નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, નિકુલે અત્યાર સુધીમાં ૨૯ જેટલા બેંક એકાઉન્ટ્સની કિટ્સ હેરીને મોકલી હોવાનું અને એક કિટના રૂ.૧૫ હજાર તેને આપતો હોવાનું પણ કબૂલ્યું હતું. પોલીસે લેપટોપ-૧, મોબાઈલ ફોન-૩, વિવિધ બેંકોનાં ૪ ડેબિટ કાર્ડ અને ૩ પાસબુક, સિમ કાર્ડ-૪, હિસાબની ડાયરી સહિત રૂ.૫૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. અને ચારેય જણા સામે છેતરપિંડી સહિનો ગુનો નોંધી આંતરરાજ્ય રેકેટની ઊંડી તપાસ હાથ ધરી છે.



