
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની સુપ્રીમ કોર્ટે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિત રીતે વાંધાજનક કાર્ટુન પોસ્ટ કરવાના સંદર્ભમાં કાર્ટુનિસ્ટને શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ પૂરૂ પાડયુ હતું. જોકે કોર્ટે સોશિયલ મીડિયા પર વધતી જતી વાંધાજનક સામગ્રી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેને રોકવા માટે ન્યાયિક આદેશ પસાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કારણ કોઈપણ દેશની લોકશાહી વ્યવસ્થામાં અભિવ્યક્તિની આઝાદી જીવન તત્વ તરીકે કાર્ય કરે છે. પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા સમાજની પરિપક્વતા ની એક નિશાની એ પણ છે કે તે કોઈના અભિપ્રાયને ધ્યાનમાં લે છે અને જો ઈચ્છે તો તેને અવગણે છે. અને તેનાથી સંમતિ કે આ સંમતિનો સવાલ ઉભો થતાં મુશ્કેલી એ છેકે ઘણી વખત અભિવ્યક્તિને શંકાના દાયરામાં જોવામાં આવતી હોવાથી એને મર્યાદિત કરવાના એટલે કે એની ઉપર લગામ લગાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
આને લઈને સુપ્રીમ કોર્ટની ચિંતા એ વાતમાં વ્યાજબી હોઈ શકે છે કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કંઈક લખવા કે પ્રસારિત કરવાની જાણે કે રેસ લાગી હોય એમ લાગી રહ્યું છે. તાજેતરમાં થોડા મહિનાપહેલાં એક યુટ્યુ બ ચેનલ પર એક કાર્યક્રમ દરમ્યાન વાંધાજનક ભાષા, મહિલા વિરોધી ટીપ્પણીઓ અને દિવ્યાંગોની મજાક ઉડાવતી સામગ્રી પસારિત કરવામાં આવતા સ્વાભાવિક રીતે આને અભિવ્યક્તિના અધિકારના દુરુપયોગ તરીકે જોવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન એ છે કે કોણ એને નક્કી કરશે કે કયા આધારે નક્કી કરાશે કે જે તે અભિવ્યક્તિ વાંધાજનક છે કે નહીં? અને ત્યારબાદ પણ જો અભિવ્યક્તિ અને તેના સ્વરૂપને મર્યાદિત કરવાના નિયમનો દુરુપયોગ થાય છે, તો આવી પરિસ્થિતિમાં શું કરવામાં આવશે?
સાથે એ પણ ધ્યાનમાં લેવું પડશે કે સરકાર ક્યાંક તેમની સુવિધા મુજબ સત્ય અને તથ્યોને તોલવાનું શરૂ ન કરી દે, કારણ કે આનાથી અભિવ્યક્તિના અધિકાર અને લોકશાહી મૂલ્યોને સૌથી વધુ નુકસાન થશે. અને એ પણ એટલું જ સત્ય છે કે આપણી સરકારોની મથરાવટી પહેલાથી જ મેલી રહી છે. અને આમ સરકાર પોતાની ટીકા સહન કરી શકતી નથી. અને એને લઈને સરકાર દ્વારા એના ટીકાકારોને અનેક રીતે હેરાન-પરેશન કરવામાં આવે છે. જેના અસંખ્ય દાખલાઓ ભૂતકાળમાં નોંધાયેલા છે. આખરે અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ ભલે રોકવામાં આવે પણ આ આઝાદીનું ગળું દબાવી ન દેવાય એનું પણ એટલું જ ધ્યાન રાખવું રહ્યું કારણ કે દેશમાં લોકશાહી છે.



