
જમીન સાથે જાેડાયેલા રહો અને બૂમો પાડ્યા વગર કામ કરો વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ગુજરાતના મંત્રીમંડળના ક્લાસ લીધા! અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પોણો કલાક સરકારના મંત્રીઓની સાથે બેઠક યોજી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય મંત્રીમંડળ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. લગભગ પોણો કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને વહીવટી કામકાજ અને જનસંપર્ક અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ઓક્ટોબર-૨૦૨૫માં મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમવાર આ પ્રકારની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાને મંત્રીઓને હળવા પણ મક્કમ અંદાજમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ સરકારી કાર્યને માત્ર ફોટોગ્રાફી પૂરતું મર્યાદિત ન રાખતા તેને એક અભિયાન સ્વરૂપે ઉપાડવું જાેઈએ. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે, કોઈપણ કાર્ય કરવા માટે બૂમો પાડવાની કે કોઈની ઉપર ગુસ્સે થવાની જરૂર હોતી નથી, શાંતિથી અને સચોટ આયોજન સાથે પણ ઉત્તમ પરિણામ લાવી શકાય છે.
વડાપ્રધાન મોદીએ પોતાના જૂના સંસ્મરણો તાજા કરતા મંત્રીઓને શિખામણ આપી હતી કે, તેઓ તેમની જવાબદારીઓનું વહન કરતી વખતે હંમેશા જમીન સાથે જાેડાયેલા રહે. સત્તાના હોદ્દા પર હોવા છતાં લોકસેવા અને નમ્રતા જ મુખ્ય ધ્યેય હોવું જાેઈએ તેમ તેમણે સૂચિત કર્યું હતું.
બેઠક દરમિયાન વડાપ્રધાને સ્વચ્છતા અભિયાનના મહત્વ પર ફરીથી ભાર મૂક્યો હતો. તેમણે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદ, સુરત કે વડોદરા જેવા મોટા શહેરો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન બને તેવો સંકલ્પ કરીને મંત્રીઓએ કામ કરવું જાેઈએ.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. જાેકે, ૨૬ સભ્યોના મંત્રીમંડળમાંથી બે મંત્રીઓ તબિયતને કારણે ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટ-૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ વડાપ્રધાને અમદાવાદ એરપોર્ટ પર જ મંત્રીઓને આવી જ રીતે લેશન આપ્યું હતું. વડાપ્રધાનનું આ પ્રકારનું માર્ગદર્શન મંત્રીઓ માટે આગામી સમયમાં કામગીરીની દિશા નક્કી કરવામાં ખૂબ મહત્વનું સાબિત થશે.




