સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાને લઈને ઉચાટ સર્જાયા બાદ ફરીથી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા અને તુટવાને લઈને રાજકીય હંગામો થયા બાદ હવે રાજ્ય સરકારે નવી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જાહેર બાંધકામ વિભાગના કણકવલી વિભાગે ટેન્ડર બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે પ્રતિમાના નિર્માણ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડ્યા બાદ વડાપ્રધાન મોદીએ માફી પણ માંગી હતી.
કણકવલીમાં PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજય કુમારે કહ્યું કે, હવે અમે ખૂબ કાળજી રાખીશું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર નવી પ્રતિમા બનાવવામાં આવશે. અગાઉની પ્રતિમા 33 ફૂટ ઊંચી હતી. હવે ત્યાં 60 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જે પણ કંપની ટેન્ડર મેળવે છે તેણે ઓછામાં ઓછી 100 વર્ષની ગેરંટી આપવી પડશે. આ સિવાય કંપનીએ 10 વર્ષ સુધી તેનું ધ્યાન પણ રાખવું પડશે. એવી શરત પણ મૂકવામાં આવી છે કે છ મહિનામાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે.