જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી એમ.સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યપાલે આ માટે મંજૂરી આપી હતી, જેની સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી છે અને રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી મંજૂરીને યથાવત રાખી છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ના પ્લોટની ફાળવણીમાં ગોટાળાના આરોપો છે, જેમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેની સામે સિદ્ધારમૈયા હાઈકોર્ટમાં ગયા હતા.
તેમની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું કે, આ કેસ ચલાવવાની મંજૂરી રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા નિયમો અનુસાર આપવામાં આવી હતી. આ મામલે કાર્યકરો ટી.જે.અબ્રાહમ, એસ. ક્રિષ્ના અને પ્રદીપ કુમાર એસપીએ ફરિયાદ નોંધાવી હતી. જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રી પરિષદની ભલામણ પર જ કોઈ પણ નિર્ણય લે છે, પરંતુ બંધારણ તેમને વિશેષ સંજોગોમાં સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ પણ આપે છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં ફરિયાદ પર નિર્ણય લેવો જરૂરી છે. સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ પર નિર્ણયો લે છે, પરંતુ કેટલીકવાર વિશેષ સંજોગોમાં નિર્ણય સ્વતંત્ર રીતે પણ લઈ શકાય છે.
કોર્ટે કહ્યું કે આ મામલો આવી જ અપવાદ અને વિશેષ પરિસ્થિતિમાંથી એક છે. બેન્ચે કહ્યું કે રાજ્યપાલના નિર્ણયમાં કોઈ ભૂલ હોય તેવું લાગતું નથી. હાઈકોર્ટે કહ્યું કે અમારા આદેશની સાથે નીચલી કોર્ટ તરફથી આવનાર કોઈપણ વચગાળાનો આદેશ પણ બિનઅસરકારક બની જશે. હકીકતમાં, સિદ્ધારમૈયાની અરજી પર નીચલી કોર્ટમાં પણ આ કેસની સુનાવણી ચાલી રહી હતી. હવે હાઈકોર્ટના નિર્ણય બાદ આ કેસનો અંત આવ્યો છે. હકીકતમાં, 16 ઓગસ્ટના રોજ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ કેસ દાખલ કરવાની મંજૂરી આપી હતી.