
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સામે મકોકા લગાવી દીધો છે. આ કેસમાં અત્યાર સુધીમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં 26 લોકોની ધરપકડ કરી છે, જેમાં કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમનો પણ સમાવેશ થાય છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે બાબા સિદ્દીકી હત્યા કેસમાં કડક MCOCA જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. એ નોંધવું અગત્યનું છે કે મકોકા હેઠળ પોલીસ સમક્ષ આપેલા નિવેદનો કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય છે. મકોકા હેઠળ જામીન મેળવવું પણ મુશ્કેલ છે.
12મી ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી 66 વર્ષીય સિદ્દીકીને 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા પૂર્વમાં તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ બિલ્ડિંગની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તેમને છાતીમાં બે ગોળી વાગી હતી અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
લોરેન્સ બિશ્નોઈના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ગોળીબારમાં કથિત ભૂમિકા બદલ યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ મુખ્ય કાવતરાખોર શુભમ લોંકર અને જીશાન મોહમ્મદ અખ્તર હજુ પણ ફરાર છે.
