
સુપ્રીમે કેન્દ્ર-RBI પાસે જવાબ માગ્યો મૃતકની બેંક ડિટેલ્સ વારસદારોને આપવામાં ખોટું શું છે? દાવો ન કરાયેલી ડિપોઝિટની જાણકારી આપવા વ્યવસ્થાતંત્ર બનાવવા સુપ્રીમમાં પીઆઈએલ કરાઈ સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેન્કને સવાલ કર્યાે હતો કે મૃતકોના બેન્ક ખાતાની વિગતો તેમના કાનૂની વારસદારોને આપવામાં ખોટું શું છે? સરકારે આ મુદ્દે એક નીતિ બનાવવી પડશે. કેન્દ્ર અને આરબીઆઈને નવા સોગંદનામા દાખલ કરવાની તાકીદ કરીને સર્વાેચ્ચ અદાલતે આ મામલે વધુ સુનાવણી ૫મે સુધી મુલતવી રાખી હતી.પત્રકાર સુચેતા દલાલે દાખલ કરેલી જાહેર હિતની અરજી (પીઆઇએલ)ની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ સવાલ કર્યાે હતો.
આ પીઆઇએલમાં બેન્ક ખાતામાં દાવો ન કરવામાં આવેલી ડિપોઝિટ અંગે મૃતકના કાનૂની વારસદારોને માહિતી આપવા માટે એક વ્યવસ્થાતંત્ર બનાવવાની માગણી કરાઈ છે.ખંડપીઠે જણાવ્યું હતું કે ધારો કે કોઈ વ્યક્તિના અલગ અલગ દેશોમાં ૧૦ અલગ અલગ ખાતા હોય અને તે વસિયતનામા વગર મૃત્યુ પામે તો તેના વારસદારોને વિગતો કેવી રીતે મળે? તેમણે કદાચ KYC પણ ન કરાવ્યું હોય. આ સવાલ નીતિનો નથી. અમે એવું નથી કહી રહ્યાં કે ટ્રાન્સફર ગેરકાયદેસર છે. અમે જે કહી રહ્યાં છીએ તે એ છે કે જાે આપણે કાનૂની વારસદારોને માહિતી આપીએ તો શું ખોટું છે? તમારે કોઈ નીતિ બનાવવી પડશે.સુનાવણી દરમિયાન સુચેતા દલાલ વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે રજૂઆત કરી હતી કે, અરજદારે દાવા વગરના ખાતાઓની વિગતો જાહેર કરવા માટે ર્નિદેશો માંગ્યા છે. રિઝર્વ બેન્ક (RBI)એ એક કેન્દ્રિત અને સર્ચ કરી શકાય તેવા ડેટાબેઝની જરૂરિયાતની પણ ભલામણ છે, જેથી લોકો તેમના મૃત માતાપિતાના ખાતાઓ શોધી શકે.કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરામને જણાવ્યું હતું કે જાે કોઈ સાચો વારસદાર આગળ આવે છે, તો તેમને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાંથી રકમ પરત કરવામાં આવે છે. ૨૦૧૪માં RBI એ સ્થાપિત ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં કોમર્શિયલ અને સહકારી બેંકોમાં દાવા વગરની થાપણો રાખવામાં આવે છે.સુપ્રીમ કોર્ટે અગાઉ સેન્ટ્રલ ડેટાબેઝના મુદ્દે નાણા મંત્રાલય પાસેથી પણ જવાબ માંગ્યો હતો. આ પીઆઇએલમાં મૃતકના બેન્ક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ, ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ થાપણો અંગેની માહિતી આપવા માટે કેન્દ્રીય ડેટાબેઝ બનાવવાની માગણી કરાઈ છે. અરજીમાં જણાવાયું છે કે ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં માર્ચ ૨૦૨૧ના અંતમાં રૂ.૩૯,૨૬૪.૨૫ કરોડની જંગી રકમ હતી.




