
શિયાળુ સત્રનો અંત : ૧૫ બેઠકોમાં પ્રોડક્ટિવિટી ૧૧૧ ટકા.સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા ૨૦ મિનિટ ચાલી !.કેન્દ્રના ર્નિણયોને કારણે સંસદની સુસંગતતા ઘટી રહી છે જે લોકશાહી માટે ખતરનાક, બેઠકોનું પ્રમાણ પણ ઘટાડાયું : સિબ્બલ.સંસદમાં જે શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું તેનો શુક્રવારે અંત આવી ગયો હતો, અંતિમ દિવસે માત્ર ત્રણ જ મિનિટમાં લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. જ્યારે રાજ્યસભા પણ માત્ર ૨૦ જ મિનિટ ચાલી હતી. જાેકે પ્રોડક્ટિવિટી ૧૧૧ ટકા રહી હતી. કાર્યવાહી શરૂ થઇ કે તરત જ વિપક્ષના સાંસદોએ મનરેગાનું સ્થાન લેનારા જી રામ જી બિલને લઇને ભારે હોબાળો શરૂ કરી દીધો હતો. શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર ઓમ બિરલાએ આ સત્ર દરમિયાન કેટલા ટકા કામ થયું તે વાંચવાનુ શરૂ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે સત્ર દરમિયાન કુલ ૧૫ બેઠકો યોજવામાં આવી હતી, જેમાં કુલ ૧૧૧ ટકા પ્રોડક્ટિવિટી રહી. તમામ સભ્યોએ ગુરુવારે મોડી રાત સુધી બેસીને સંસદ ચલાવવામાં સહયોગ કર્યો. જેના તુરંત જ બાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.
જાેકે આ દરમિયાન વિપક્ષના સાંસદોએ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાને રદ કરવા અને નવી યોજનામાં ગાંધીજીનું નામ સામેલ ના કરવાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના સાંસદોએ લોકસભામાં અંતિમ દિવસે મહાત્મા ગાંધીજી કી જયના સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદમાં હાજર રહ્યા હતા. આ સત્રમાં પ્રદૂષણ, વંદે માતરમ, શિક્ષણ, ચૂંટણી, મનરેગાનું સ્થાન લેનારી નવી યોજના વગેરે ચર્ચાના મુદ્દા રહ્યા હતા જાેકે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા વાયુ પ્રદૂષણનો મુદ્દો છેડવામાં આવ્યો હતો જેના પર ચર્ચા નહોતી થઇ શકી. બીજી તરફ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું હતું કે સત્તામાં બેઠેલા લોકો બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવીને સંસદની સુસંગતતાને ઘટાડી રહ્યા છે. લોકોને લાગી રહ્યું છે કે હવે સંસદમાં કઇ જ નથી થઇ રહ્યું. સંસદની સુસંગતતા ઘટવી લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. હવે સંસદમાં બહુ જ ઓછી બેઠકો મળી રહી છે. ૧થી ૧૯ ડિસેમ્બર દરમિયાન માત્ર ૧૫ બેઠક મળી હતી. અગાઉ સંસદમાં નવેમ્બર મહિનામાં જ શિયાળુ સત્ર શરૂ થઇ જતું હતું. ભાજપનો ઉદ્દેશ્ય, એક પક્ષ, એક ચૂંટણી, એક ભાષા અને એક દેશ છે.




