
સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ.બે બાળકોની મસ્તી ભારે પડી, ૨ કિલોનો સોનાનો તાજ તૂટી ગયો.આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બે બાળકો મસ્તી કરી રહ્યા હતા અને એક બાળક ભૂલથી તેના ડિસ્પ્લે કેસ સાથે ટકરાઈ ગયું.ચીનના બેઈજિંગમાં એક ફ્રી એક્ઝિબિશન દરમિયાન ૨ કિલો શુદ્ધ સોનાનો હાથથી બનાવેલો લગ્નનો તાજ તૂટી ગયો. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બે બાળકો મસ્તી કરી રહ્યા હતા અને એક બાળક ભૂલથી તેના ડિસ્પ્લે કેસ સાથે ટકરાઈ ગયું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એ ચર્ચાએ જાેર પકડ્યું છે કે, આવી સ્થિતિમાં જવાબદારી કોની હોય છે અને નુકસાનની ભરપાઈ કેવી રીતે થવી જાેઈએ.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, બે બાળકો તાજ પાસે ઊભા છે જેમાંથી એક નાનું બાળક વારંવાર કાચના ડિસ્પ્લે બોક્સ પર ઝૂકી રહ્યું હતું. થોડી જ વારમાં બોક્સનું કવર આગળની તરફ નમી ગયું અને ૨ કિલોનો સોનાનો તાજ નીચે પડી ગયો અને તૂટી ગયો.
આ વીડિયો ચીની બ્લોગર ઝાંગ કાઈયીએ શેર કર્યો છે. તેણે તેના પતિ સાથે મળીને આ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. તેનો પતિ જ આ વિશેષ ગોલ્ડ ક્રાઉનનો ડિઝાઈનર છે. એક અહેવાલ પ્રમાણે ઝાંગે જણાવ્યું કે, આ તાજ મારા માટે માત્ર ઘરેણું નથી, પરંતુ ભાવનાઓ સાથે સબંધિત એક ખાસ વસ્તું છે. ઝાંગે સ્પષ્ટતા કરી કે આ તાજ વેચાણ માટે નહોતો અને તેની ચોક્કસ કિંમત જણાવવી પણ મુશ્કેલ છે. આ વીડિયો શેર કરવાનો હેતુ બાળક કે તેના પરિવારને દોષ આપવાનો નથી, પરંતુ નુકસાન કેટલું થયું અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે સમજવાનો હતો.
તેણે આગળ જણાવ્યું કે, તાજનો પહેલેથી જ વીમો કરાવવામાં આવ્યો હતો અને અમે કોઈ પાસેથી વળતર નથી માગ્યું. આ એક્ઝિબિશન સામાન્ય જનતા માટે ફ્રી હતું અને તેને પૈસા કમાવવા માટે નહોતું રાખવામાં આવ્યું.
આ ઘટના બાદ ઈન્ટરનેટ પર લોકોના અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા છે. કેટલાક લોકોએ બાળકની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા, જ્યારે અન્ય લોકોએ એક્ઝિબિશનની વ્યવસ્થા પર વાત કરી. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં ક્યારેક માત્ર સમારકામનો ખર્ચ વસૂલવામાં આવે છે અને ક્યારેક સંપૂર્ણ ખર્ચ પણ વસૂલવામાં આવે છે.
જ્વેલરી એક્સપર્ટનું કહેવું છે કે, આવા ખાસ સોનાના દાગીનાનું સમારકામ ઘણીવાર નવું બનાવવા જેટલું મોંઘું પડી શકે છે. હાલમાં ઝાંગ અને તેના પતિએ હજુ સુધી જાહેરાત કરી નથી કે તાજનું સમારકામ કરવામાં આવશે કે નહીં. તેમણે લોકોને અપીલ કરી છે કે, દુર્ઘટનાથી વધુ એ મહેનત અને પ્રેમને સમજાે, જેની સાથે આ એક્ઝિબિશન લગાવવામાં આવ્યું હતું.




