
૨૫ વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો.૯ કરોડનો પગાર લીધો, ડમી શિક્ષકો પણ ગુનામાં સામેલ.રાજસ્થાનના બારાં જિલ્લામાં શિક્ષક પતિ-પત્ની ૨૫ વર્ષથી શાળાએ નથી ગયા તેમ છતા બંનેને શિક્ષક તરીકેનો પગાર મળતો રહ્યો. મામલો સામે આવ્યા બાદ સરકાર હવે આ બંને શિક્ષક પતિ-પત્ની પાસેથી ૯ કરોડ ૩૧ લાખ ૫૦ હજાર રૂપિયા વસુલવાની તૈયારીમાં છે. જાેકે આટલી રકમ પરત મળશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન, દિલાવરના આદેશ પર વિભાગે દંપતીને અંતિમ જાહેર નોટિસ મોકલી છે. નોટિસ મળવા છતા પણ જાે તેઓ હાજર નહીં રહે તો તેમની સંપત્તિની હરાજી કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી વિષ્ણુ ગર્ગ અને તેમની પત્ની અંજૂ ગર્ગ છેલ્લા ૨૫ વર્ષથી બારાનો રાજપુરા, પ્રાથમિક સ્કૂલમાં તૈનાત હતા.
દંપતી છેલ્લા ૨૦ વર્ષથી પોતાની જગ્યાએ ડમી શિક્ષકોને સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મોકલતા રહ્યા.
શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે મિલીભગત કરીને પતિ-પત્નીએ ખુદના સ્થાને ૧૫-૧૫ હજાર રૂપિયામાં ત્રણ ડમી શિક્ષકો રાખી લીધા હતા જ્યારે પોતે મોટો સરકારી પગાર ખાતા રહ્યા.
જે ડમી શિક્ષક તરીકે ત્રણ લોકોને પસંદ કરાયા હતા તેઓ બેરોજગાર હતા તેથી આટલા પગારમાં પણ શિક્ષકનું કામ કરવા તૈયાર થઈ ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની ફરિયાદ પર બારાં પોલીસ સ્ટેશનમાં દંપતી અને ત્રણેય ડમી શિક્ષકોની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થતા જ પતિ-પત્ની બંને ફરાર થઈ ગયા હતા. જેને હાલ પણ પોલીસ શોધી રહી છે. આ દરમિયાન બંનેને જે પગાર અને અન્ય સરકારી લાભ મળ્યા તેની રકમ મળીને ૯ કરોડ રૂપિયા થઈ રહી છે.
