
BOB તરફથી મળેલી ફરિયાદના આધારે એજન્સીએ FIR નોંધી રૂ.૨૨૦૦ કરોડના બેન્ક ફ્રોડ મામલે CBI અનિલ અંબાણી સામે નવો કેસ કર્યાે અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાથી ખાતાને છેતરપિંડી તરીકે જાહેર કરવાની પ્રક્રિયા પર સ્ટે મળ્યો હતો.
સીબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે ૨૦૧૩-૧૭ દરમિયાન બેંક ઓફ બરોડાને છેતરપિંડી કરીને ૨,૨૨૦ કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો સાથે નવો કેસ નોંધ્યો છે. બેંક તરફથી પ્રાપ્ત થયેલી ફરિયાદના આધારે આ કેસ નોંધાયો છે. બીજી બાજુ ફ્રોડના એક અન્ય કેસમાં અનિલ અંબાણી ઇડી સમક્ષ હાજર થયા હતા. ઇડીએ આશરે નવ કલાક તેમની પૂછપરછ કરી હતી.સીબીઆઈના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે, “કેસ નોંધાયા બાદ અનિલ અંબાણીના નિવાસસ્થાન તેમજ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ.ના નોંધાયેલા કચેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ લોન ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત વિવિધ દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા છે.” એફઆઈઆરમાં આક્ષેપ છે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સે લીધેલી લોનની રકમ સંબંધિત પક્ષો સાથેના કથિત ખોટા વ્યવહારો દ્વારા અન્યત્ર વાળવામાં અને દુરુપયોગ કરવામાં આવતા બેંક ઓફ બરોડાને ૨,૨૨૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું.
અધિકારીઓના કહેવા અનુસાર, આ ખાતાને ૨૦૧૭માં જ એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “પરંતુ અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાથી ખાતાને છેતરપિંડી તરીકે જાહેર કરવાની પ્રક્રિયા પર સ્ટે મળ્યો હતો.૨૩-૦૨-૨૦૨૬ના રોજ હાઈકોર્ટે સ્ટે રદ કર્યા બાદ બેંક ઓફ બરોડાએ ફરિયાદ નોંધાવી અને સીબીઆઈએ તરત જ કેસ હાથ ધર્યાે.” જાે કે આ અંગે કંપની તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરાઇ નથી. ફરિયાદમાં બેંક ઓફ બરોડાએ અંબાણી અને RCOM પર મંજૂર કરાયેલા હેતુઓના વિરુદ્ધ સિસ્ટમેટિક રીતે લોનની રકમનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યાે છે. હિસાબી પુસ્તકોમાં ગેરરીતિઓ છુપાવવા અને નાણાકીય સ્થિતિ ખોટી રીતે દર્શાવવા, લોનની રકમને અન્યત્ર વાળવા, વાસ્તવિક નાણાં પ્રવાહ છુપાવવા માટે ફંડનું રિસાયક્લિંગ અને લેયરિંગ કરવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.




