
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
માનવીને જ્યારે નશો ચઢે છે ત્યારે એનો નાશ નિશ્ચિત હોય છે. અર્થાત બરબાદી. આ નશો સત્તાનો હોય, પૈસાનો હોય, દારૂ નો હોય, પદનો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના નશામાં અતિરેક થાય છે ત્યારે એ અતિરેક હંમેશા નાશ જ નોંતરે છે.
અને આ જ બાબત સોશિયલ મીડિયા માટે પણ એટલી જ સાચી છે. જ્યારે દેશ અને દુનિયામાં ઇન્ટરનેટનું આગમન થયું ત્યારે સૌ કોઈ તેના કાર્યથી અંજાઈ ગયા અને આજે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી લાગતી. આ ઇન્ટરનેટના આગમનથી રોજીંદા જીવનમાં જાણે કે ક્રાંતિ થઈ ગઈ અને પહેલા જે કામમાં દિવસો કે કલાકો લાગતા એ કામ ચપટી વગાડતા એ જ ક્ષણે થવા લાગ્યા. ઈ-મેઈલથી માંડીને ઓડિયો-વિડીયો સહિતના મીડિયાનું હસ્તાંતરણ એટલું ઝડપથી થવા લાગ્યું કે સોશિયલ મીડિયાનો એક નવો યુગ શરૂ થયો અને એમાં ફેસબુક, ઇનસ્ટાગ્રામ, વ્હોટ્સએપ, યુટ્યુબ વિગેરે વિગેરેના આગમનથી તો જાણે કે સાવ સામાન્ય માનવીના હાથોમાં પણ દુનિયા ભરની માહિતી આવી ગઈ.
આ માહિતીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું સ્વાભાવિક પણે જ સામાન્ય માનવીનું ગજું હોય નહીં અને એના દુષ્પરિણામો હવે દુનિયા સમક્ષ આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયાના આગમનથી માહિતીના પ્રવાહમાં પ્રચંડ વધારો થયો જાહેર અભિવ્યક્તિ માટે જાતજાતના નવા રસ્તાઓ ખુલ્યા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક નવું પ્લેટફોર્મ મળ્યું તે વાતનો ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ જો તકેદારી અને સાવધાની રાખવામા ન આવે તો ટેકનોલોજી ધ્વારા આપવામાં આવતી સુવિધા ઘણીવાર મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. જેની શરૂઆત દુનિયામાં થઈ પણ ગઈ છે.




