
અમુક બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો.પેટ્રોલ-ડીઝલ મોંઘા થવા છતાં ST બસના ભાડામાં મોટો ઘટાડો.અમદાવાદથી સુરતનું વોલ્વો બસનું ભાડું ૭૪૮ રૂપિયાથી ઘટાડીને ૬૮૭ કરાયું, ભાવનગર રૂટની બસના ભાડામાં ૧૫નો ઘટાડો.ગુજરાતમાં ગઈકાલે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ આજે શનિવારે CNG ભાવમાં પણ વધારો થયો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ પરથી ગેસ-તેલની સપ્લાયમાં અડચણ આવી રહી છે, જેની અસર હવે ભારત દેશ પર વર્તાવા લાગી છે. જાેકે, આ બધાની વચ્ચે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા અમુક બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
હાં, તમે એકદમ સાચું જ વાંચ્યુ છે, ગુજરાતમાં એક તરફ પેટ્રોલ-ડીઝલ અને CNG ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી બાજુ ગુજરાત એસ.ટી નિગમે અમુક બસોના ભાડા ઘટાડી દીધા છે. અમદાવાદથી સુરત જતી વોલ્વો બસ અને અમદાવાદથી ભાવનગર જતી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. અમદાવાદથી સુરતનું વોલ્વો બસનું ભાડું ૭૪૮ રૂપિયાથી ઘટાડીને ૬૮૭ રૂપિયા કરાયું છે, જેનાથી મુસાફરોને ૬૧ રૂપિયાની રાહત મળશે. આ ઉપરાંત ભાવનગર રૂટની બસના ભાડામાં પણ ૧૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ સાથે જ એસ.ટી નિગમે દિલ્હી-મુંબઈ અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસો દોડવવાનો ર્નિણય લીધો છે, જેનાથી મુસાફરોનો સમય પણ બચશે. એક્સપ્રેસ-વે પરથી સુરત અને ભાવનગર રૂટની બસ દોડાવવામાં આવતા મુસાફરીના સમયમાં ૬૦થી ૯૦ મિનિટ સુધીની બચત થશે. આમ વોલ્વો બસમાં મુસાફરી સસ્તી અને ઝડપી બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરૂચ-અંકલેશ્વરના ટ્રાફિકના કારણે વોલ્વોના મુસાફરોનો ઘણો ટાઈમ ખોટી થતો હતો, હવે એક્સપ્રેસ હાઈવે પર વોલ્વો બસ દોડતા ૬ કલાકની મુસાફરીનો સમય ઘટીને ૪થી ૪.૫ કલાક થઈ જશે.
એવી જ રીતે ભાવનગર જતી બસને પણ અત્યાર સુધી બાવળા-ધંધુકા ખાતે ટ્રાફિક નડતો હતો, જે બસ હવે એક્સપ્રેસ રૂટ પરથી દોડતા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને મુસાફરીનો સમય લગભગ ૧ કલાક જેટલો ઘટશે.



