INDW vs NEPW: શ્રીલંકા દ્વારા આયોજિત મહિલા T20 એશિયા કપમાં, ભારતીય ટીમ તેની છેલ્લી ગ્રુપ મેચ નેપાળ મહિલા ટીમ સામે 82 રને જીતવામાં સફળ રહી. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત કરી લીધું છે. સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના હરમનપ્રીત કૌરની જગ્યાએ નેપાળ ટીમ સામે ભારતીય ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા, જેમાં બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો. મેચ જીત્યા બાદ કેપ્ટન મંધાનાએ પણ સેમીફાઈનલ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મિડલ ઓર્ડરના બેટ્સમેનોને પણ તક મળે તે મહત્વનું છે
સ્મૃતિ મંધાનાએ નેપાળ સામેની મેચ બાદ કહ્યું હતું કે ઓપનિંગ બેટ્સમેન તરીકે તમને બેટિંગ કરવાની તક ન મળે એવું બહુ જ ઓછું હોય છે. ટીમના અન્ય બેટ્સમેનોને તક મળવી જરૂરી હતી કારણ કે અગાઉની મેચમાં મિડલ ઓર્ડરે બેટિંગ કરી ન હતી. અહીં પરિસ્થિતિ થોડી અલગ છે, તેથી તમને તેને સમજવાનો મોકો મળવો જોઈએ.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન પણ મિડલ ઓર્ડરને વધારે બેટિંગ કરવાની તક મળી ન હતી. અમે વિમેન્સ પ્રીમિયર લીગની સમાપ્તિ પછી અમારી તૈયારીઓ શરૂ કરી હતી અને આગામી વર્લ્ડ કપ પહેલા ઘણી બાબતોમાં સુધારો કરવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.
તમે સેમિફાઇનલમાં કોઈપણ ટીમને હળવાશથી ન લઈ શકો
નેપાળ સામેની મેચ બાદ સ્મૃતિ મંધાનાએ પણ સેમીફાઈનલ મેચ વિશે કહ્યું હતું કે તમે આવી મેચોમાં કોઈપણ ટીમને હળવાશથી લેવાની ભૂલ ન કરી શકો. અમારી પાસે હવે 2 દિવસનો સમય છે જેમાં અમે આરામ કરીશું અને પ્રેક્ટિસ પણ કરીશું. તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમે ટી20 એશિયા કપમાં 26 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે તેની સેમીફાઈનલ મેચ રમવાની છે, જેમાં તેને ગ્રુપ બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે રમવાનું છે.