બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાન પાસે માફી માંગવાની માંગ કરી છે. સાથે જ કહ્યું કે પાકિસ્તાને વર્ષ 1971માં થયેલા માનવતા વિરુદ્ધના અપરાધો માટે માફી માંગવી જોઈએ અને તો જ સંબંધો સુધરશે. તાજેતરમાં, બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશનર પણ ઢાકામાં વચગાળાની સરકારના ઘણા વરિષ્ઠ સભ્યોને મળ્યા હતા.
વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું છે કે વર્તમાન સરકારે પાકિસ્તાનને એવો અહેસાસ નથી આપ્યો કે તે 1971ના મુદ્દાને બાજુ પર રાખીને સારા સંબંધો ઈચ્છે છે. તેમનું કહેવું છે કે જો પાકિસ્તાન માફી માંગે તો તે બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
તેણે કહ્યું, ‘અમે પાકિસ્તાન તરફથી કંઈ સાંભળ્યું નથી. મને અંગત રીતે લાગે છે કે જો તેઓ (પાકિસ્તાન સરકાર) 1971ની વાત કરવાની હિંમત દાખવે અને કહે કે તેઓ માફી માંગવા માગે છે તો સંબંધો વધુ સરળ બની જશે. રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશ ઈચ્છે છે કે પાકિસ્તાન સાર્વજનિક અને ઔપચારિક જાહેરાત કરે અને 1971માં નિઃશસ્ત્ર બંગાળીઓ પર થયેલા અત્યાચાર માટે માફી માંગે.
તૌહિદ હુસૈને કહ્યું, ‘જાપાન બીજા વિશ્વયુદ્ધ પછીથી તેના કાર્યો માટે માફી માંગી રહ્યું છે. મારું માનવું છે કે જો પાકિસ્તાનની સરકાર હિંમત દાખવીને આવું નિવેદન આપી શકે તો સંબંધોને સામાન્ય બનાવવું સરળ બની જશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ 1971ના મુદ્દાઓ જ રહેશે. તેમણે કહ્યું, ‘1971 હંમેશા અમારા દિલમાં છે.’
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બંને દેશો વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. રિપોર્ટ અનુસાર શરીફે કહ્યું હતું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાને પોતાના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવો જોઈએ.