
વૈશ્વિક સ્તરે પણ આધ્યાત્મિક પ્રવાસ વધ્યો ટેમ્પલ અને કલ્ચર ટ્રાવેલ્સમાં બુમ વૈશ્વિક સ્તરે જાપાન હોટ ડેસ્ટિનેશન ઇન્ડિયા કલ્ચર ટ્રાવેલ ઇન્ડેક્સ મુજબ વારસો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેનારાની ટકાવારી સૌથી વધુ
ટૂરિઝમની પરિભાષા છેલ્લા કેટલાક સમયથી બદલાવા લાગી છે. દેશભરમાં ટૂરિઝમ ક્ષેત્રે એક નવો અને મોટો બદલાવ જાેવા મળી રહ્યો છે. અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ એપ સ્કાયસ્કેનર દ્વારા રજૂ કરાયેલા ધ ઇન્ડિયા કલ્ચર ટ્રાવેલ ઇન્ડેક્સ મુજબ હવે લોકો માત્ર ફરવા જવા માટે નહીં પરંતુ સાંસ્કૃતિક અનુભવો, વારસો, તહેવારો અને આધ્યાત્મિક યાત્રાઓ માટે પોતાના વેકેશનનું આયોજન કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ ટોચનું શહેર છે જ્યાં સરેરાશ ૫૦ ટકા પ્રવાસીઓ સાંસ્કૃતિક ઓળખ અને ઉત્સવ પરંપરાઓને પ્રવાસનું મુખ્ય કેન્દ્ર માને છે. એટલું જ નહિં વૈશ્વિક સ્તરે હવે યુએસ, યુકે કે ઇટાલી નહિં પરંતુ જાપાન હોટ ડેસ્ટિનેશન બનવા લાગ્યું છે. દેશમાંથી જાપાન જનારા ટૂરિસ્ટની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં સરેરાશ ૭૫-૮૦ ટકાનો ગ્રોથ થયો હોવાનું સ્કાયસ્કેનર ઇન્ડિયાના ટ્રાવેલ ટ્રેન્ડ્સ એન્ડ ડેસ્ટિનેશન્સ એક્સપર્ટ નીલ ધોષે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે બીજા ક્રમે વિયેતનામ અને થાઇલેન્ડ આવે છે. સ્કાયસ્કેનર વૈશ્વિક સ્તરે અગ્રણી ટ્રાવેલ મેટા-સર્ચ પ્લેટફોર્મ છે. કંપનીએ વૈશ્વિક તેમજ ભારતીય બજારમાં નોંધપાત્ર નાણાકીય અને યુઝર ગ્રોથ હાંસલ કર્યાે છે. વાર્ષિક આવક ૩૯ કરોડ યુરોના સ્તરે પહોંચી છે જ્યારે પ્લેટફોર્મ પર દર મહિને ૧૬ કરોડથી વધુ યુનિક વિઝિટર્સ અને ૧૧ કરોડથી વધુ માસિક સક્રિય યુઝર્સ નોંધાય છે. સર્વે અનુસાર, ભારતીયો અને ખાસ કરીને અમદાવાદના પ્રવાસીઓમાં સાંસ્કૃતિક પ્રવાસ પ્રત્યેનો ઉત્સાહ સતત વધ્યો છે. ૮૮ ટકા પ્રવાસીઓએ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક વર્ષાેમાં આવી મુસાફરી પ્રત્યે તેમનો રસ વધ્યો છે. વારસો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત (૫૭%), તહેવારો અને ઉજવણીઓ (૫૪%) તેમજ આધ્યાત્મિક યાત્રાઓ (૫૪%) પ્રવાસ માટેની સૌથી મજબૂત પ્રેરણાઓ છે. આ ઉપરાંત, ૭૪ ટકા પ્રવાસીઓ મોટા સાંસ્કૃતિક કે ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવા માટે ખાસ પ્રવાસ કરવાનું વિચારે છે.યુક્રેન-રશિયા અને ઇરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધ પછી ટ્રાવેલર્સ કરનાઓનો ટ્રેન્ડ બદલાયો છે. એક સમયે પશ્ચિમના દેશો ટુરિઝમ માટે પ્રખ્યાત હતા તેનું સ્થાન વિતેલા વર્ષ દરમિયાન પૂર્વના દેશોએ લીધું છે. ડોલર સામે એશિયન કરન્સીના વેલ્યૂએશનમાં થયેલા ફેરફાર પણ આ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે અને વેસ્ટ કરતાં ઇસ્ટના દેશો આને કારણે વધુ પરવડે તેવા પેકેજ સાથે ઉપલબ્ધ થયા છે.સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસનો આ વ્યાપ હવે વિદેશ પ્રવાસ સુધી વિસ્તર્યાે છે. અમદાવાદના ૩૩ ટકા રહેવાસીઓ સાંસ્કૃતિક અનુભવો માટે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે, જ્યારે ૫૯ ટકા લોકો ભવિષ્યમાં તેની ઇચ્છા ધરાવે છે. વિદેશી સાંસ્કૃતિક સ્થળોમાં જાપાન સૌથી મનપસંદ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. પ્રવાસીઓ હવે ભીડભાડથી દૂર અધિકૃત અને અર્થસભર સાંસ્કૃતિક અનુભવોને પ્રાથમિકતા આપી રહ્યા છે.




