
શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો ઢાકા કોર્ટે જમીન કૌભાંડ કેસમાં સંભળાવી સજા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમની બહેન અને ભાણી તેમજ બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને જેલની સજા ફટકારી
બાંગ્લાદેશની એક કોર્ટે જમીન કૌભાંડ કેસમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમની બહેન અને ભાણી તેમજ બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને જેલની સજા ફટકારી છે. સ્થાનિક મીડિયાએ આ સમાચાર આપ્યા છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે વડાપ્રધાન તરીકે સેવા આપતી વખતે હસીનાએ સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે જમીન પ્લોટ મેળવ્યા હતા.
હસીનાએ અધિકારીઓ સાથે મળીને ઢાકા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (જમીન ફાળવણી) નિયમો, ૧૯૬૯નું ઉલ્લંઘન કરીને પૂર્વાચલના સેક્ટર ૨૭ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્લોટ ફાળવ્યા હતા. આ પ્લોટ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જાેય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યૂલિપ રિઝવાના મુજીબ સિદ્દીકને ફાળવવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC)એ અત્યાર સુધીમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કુલ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. હસીનાની રાજકીય કારકિર્દી અને તેમના દેશમાં પાછા ફરવા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ કોર્ટનો ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે તે પહેલાથી જ અનેક કાનૂની પડકારોનો સામનો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ૨૭ નવેમ્બરના રોજ એક અલગ ચુકાદામાં શેખ હસીનાને પૂર્વાચલ કૌભાંડ સંબંધિત ત્રણ કેસોમાં ૨૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે તેના પુત્ર જાેય અને પુત્રી પુતુલને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી પંચે કુલ છ કેસ દાખલ કર્યા હતા, જેમાં હસીના તે બધામાં મુખ્ય આરોપી છે. વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે હસીનાને અગાઉ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.




