Russia-Ukraine War: શનિવારે વહેલી સવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર રશિયન હુમલામાં છ નાગરિકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. પ્રાદેશિક અધિકારીઓએ આ દાવો કર્યો છે. યુક્રેનની નેશનલ પોલીસે જણાવ્યું કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે શહેરની શેરીઓ અને ઈમારતોની બાજુમાં સળગતી આગની તસવીરો પણ જાહેર કરી.
ખાર્કિવના મેયર ઇહોર તેરેખોવે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર કહ્યું,
આજ સવાર સુધીમાં, શેવચેન્કીવસ્કી જિલ્લામાં રાત્રિના હુમલામાં 6 લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. હુમલામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા – ઓછામાં ઓછી નવ બહુમાળી ઇમારતો, ત્રણ શયનગૃહો, અનેક વહીવટી ઇમારતો, એક દુકાન, એક પેટ્રોલ સ્ટેશન, એક સર્વિસ સ્ટેશન અને કારને નુકસાન થયું હતું.
સમાચાર અહેવાલો અનુસાર હુમલો મધ્યરાત્રિ પછી થયો હતો. યુક્રેનના ઉત્તર-પૂર્વમાં આવેલું ખાર્કિવ, રશિયાનું વારંવાર લક્ષ્ય રહ્યું છે, તાજેતરના અઠવાડિયામાં હુમલાઓ તીવ્ર બની રહ્યા છે. બુધવારે શહેરમાં ડ્રોન હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા અને એપાર્ટમેન્ટ બ્લોક્સને ખરાબ રીતે નુકસાન થયું હતું.
રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ, એન્ડ્રી યર્માકે ગુરુવારે પ્રકાશિત થયેલા એક ઇન્ટરવ્યુમાં ન્યૂઝ આઉટલેટ પોલિટિકોને જણાવ્યું હતું કે તેમણે મે અથવા જૂનમાં કોઈપણ નવા રશિયન હુમલા માટે ખાર્કિવને સૌથી સંભવિત લક્ષ્ય તરીકે જોયું.
ખાર્કિવના પ્રાદેશિક ગવર્નર ઓલેહ સિન્યુહુબોવે એક રહેણાંક મકાન પર હુમલો અને ખાર્કિવ શહેરની ઉત્તરે આવેલા ગામ પર મિસાઈલ હુમલાની જાણ કરી. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. હુમલા બાદ કેટલાંક કલાકો સુધી ખાર્કીવ અને રાજધાની કિવ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણી અમલમાં રહી.