
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા મોટા પ્રમાણમાં નાણાં પાછા ખેંચવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ માત્ર શેરબજારની વધ ઘટનો વિષય નથી, પરંતુ દેશની આર્થિક નીતિઓ, રોકાણકારોનો વિશ્વાસ અને વિકાસના દાવાઓની પણ કસોટી છે.
જ્યારે વિદેશી રોકાણ આકર્ષવા માટે માત્ર શિખર પરિષદો, રૂપકડી જાહેરાતો અને સુધારાઓની યાદી પૂરતી નથી. રોકાણકારોને જમીન પર પરિણામ જોઈએ છે. નિયમોમાં વારંવાર ફેરફાર ન થાય, કરવેરાની વ્યવસ્થા સ્પષ્ટ રહે, મંજૂરીની પ્રક્રિયા ઝડપી બને, કાયદાકીય વિવાદોનો સમયસર ઉકેલ આવે, અને સરકારી નિર્ણયો પારદર્શક હોય તેમજ ભ્રષ્ટાચાર ન હોય તો જ લાંબા ગાળાનો વિશ્વાસ ઊભો થાય છે. નીતિની સ્થિરતા અને વચનોના અસરકારક અમલ વિના રોકાણકારોને લાંબા સમય સુધી રોકી રાખવા મુશ્કેલ છે.
બીજો મહત્વનો મુદ્દો ભારતીય કંપનીઓની કમાણીનો છે. શેરબજારની મજબૂતી માત્ર દેશના વિકાસદરથી નક્કી થતી નથી. કંપનીઓની આવક, નફો અને ભવિષ્યની વૃધ્ધિની સંભાવનાઓ પણ એટલી જ મહત્વની છે. જો શેરના ભાવની સરખામણીએ કંપનીઓનો નફો પૂરતી ગતિએ ન વધે, તો બજારનું મૂલ્યાંકન રોકાણકારોને મોંઘું લાગી શકે છે. આવી સ્થિતિમાં તેઓ વધુ યોગ્ય મૂલ્યાંકન ધરાવતા અન્ય બજારો તરફ વળે છે. તેથી સરકારે ઉત્પાદન, રોજગાર, વપરાશ અને કંપનીઓની વાસ્તવિક નફાકારકતા વધે તેવી નીતિઓ પર ભાર મૂકવો જોઈએ અને અંતે તો ભારતીય કંપનીઓની સ્થિતિ અને ભારતની સ્થિતિ જ સુચવી જાય છે ને?
હવે પડકાર માત્ર વિદેશી મૂડીને આકર્ષવાનો નથી, પરંતુ એવું આર્થિક વાતાવરણ ઊભું કરવાનો છે જેમાં રોકાણકારોને ભારતમાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાનું નક્કર કારણ મળે. વિકાસના દાવા અને વાસ્તવિક આર્થિક પરિણામો વચ્ચેનું અંતર જેટલું ઘટશે, એટલી જ ભારતીય અર્થવ્યવસ્થાની વિશ્વસનીયતા વધશે.




