
આત્મ-નિયંત્રણ..સાચી સ્વતંત્રતા-સફળતા અને આત્મવિકાસનો માર્ગ
માનવજીવનમાં સુખ, શાંતિ, સફળતા અને સંતોષ પ્રાપ્ત કરવા માટે આત્મ-નિયંત્રણ અત્યંત મહત્વપૂર્ણ ગુણ છે.આત્મ-નિયંત્રણ એટલે પોતાની ઇચ્છાઓ,લાગણીઓ,વિચારો,વાણી અને આવેગોને વિવેક બુદ્ધિના માર્ગદર્શન હેઠળ રાખવાની ક્ષમતા.સામાન્ય રીતે માણસ સ્વતંત્રતાનો અર્થ પોતાની ઇચ્છા પ્રમાણે જીવવામાં માને છે પરંતુ દરેક ઇચ્છા પૂરી કરવી એ સાચી સ્વતંત્રતા નથી. જો માણસ પોતાની ઇચ્છાઓનો ગુલામ બની જાય તો બહારથી સ્વતંત્ર હોવા છતાં અંદરથી પરતંત્ર બની જાય છે.સાચી સ્વતંત્રતા પોતાની ઇચ્છાઓને સમજવામાં અને યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ભેદ કરીને યોગ્ય નિર્ણય લેવામાં રહેલી છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તે જીવનની સૌથી મહત્વપૂર્ણ લડાઈ જીતી લે છે. આત્મ- નિયંત્રણ એટલે પોતાની જાતને દબાવી દેવી કે જીવનના દરેક આનંદથી દૂર રહેવું નહીં પરંતુ પોતાની ઇચ્છાઓ અને લાગણીઓને યોગ્ય દિશા આપવી. ક્રોધ આવે ત્યારે વાણી પર સંયમ રાખવો, લોભ જાગે ત્યારે મર્યાદા સમજવી અને આકર્ષણ સામે વિવેકબુદ્ધિ જાળવવી એ આત્મ-નિયંત્રણનાં ઉદાહરણો છે.તેના મુખ્ય આધાર છે-મનનું નિયંત્રણ, લાગણીઓનું સંતુલન, વિચારશુદ્ધિ, ઇન્દ્રિયસંયમ અને લક્ષ્યનિષ્ઠા. આત્મ-નિયંત્રણ ધરાવતો માણસ પોતાની લાગણીઓને ઓળખે છે પરંતુ તેમના આવેગમાં આવીને નિર્ણય લેતો નથી, તે દરેક ઇચ્છાને જીવનનો આદેશ માનવાને બદલે તેના પરિણામો વિશે વિચારે છે.
શાસ્ત્રોમાં આત્મ-નિયંત્રણનું મહત્વ..
ભારતીય ધર્મગ્રંથો મનનું નિયંત્રણ, ઇન્દ્રિયસંયમ, સમત્વ અને વિવેકને જીવનની ઉન્નતિ માટે આવશ્યક ગણાવે છે.ભગવદ્ગીતા અનુસાર મન જ મિત્ર પણ છે અને મન જ શત્રુ છે.ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે.. પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે પોતાને અધોગતિમાં ના નાખે કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે..મન સદવિચારો અને સંયમના માર્ગે ચાલે તો પ્રગતિ થાય છે, જ્યારે તે ક્રોધ-લોભ અને અનિયંત્રિત ઇચ્છાઓના વશમાં જાય ત્યારે દુઃખનું કારણ બને છે તેથી બીજાને બદલતાં પહેલાં પોતાના વિચારો અને વર્તનને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઇન્દ્રિયસંયમનું મહત્વ..
ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે રસબુદ્ધિ રહેવાથી યત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે..માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું પૂરતું નથી,તેને જીવનમાં ઉતારવા માટે અભ્યાસ અને સાવધાની પણ જરૂરી છે.માણસ જાણતો હોવા છતાં ક્રોધમાં ખોટું બોલી શકે છે કે હાનિકારક આદત છોડી શકતો નથી આથી જ્ઞાનની સાથે ઇન્દ્રિયસંયમ અને નિયમિત અભ્યાસ આવશ્યક છે.
કામ-ક્રોધ અને લોભથી સાવધાન..
ભગવદ્ગીતાના સોળમા અધ્યાયના ૨૧મા શ્લોકમાં કામ-ક્રોધ અને લોભ-આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર જીવાત્માનાં પતન કરનારાં છે માટે આ ત્રણેયને ત્યજી દેવાં જોઇએ..અનિયંત્રિત ઇચ્છાઓ પૂરી ન થાય ત્યારે ક્રોધ જન્મે છે અને વધુ મેળવવાની લાલસા માણસને અસંતોષમાં રાખે છે તેથી ઇચ્છાઓનો સંપૂર્ણ નાશ કરવાનો નહીં પરંતુ તેમને વિવેક-નૈતિકતા અને જીવનના ઉચ્ચ હેતુને અનુરૂપ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સમત્વ એ યોગ છે..
ભગવદ્ગીતા ૨.૪૮માં શ્રીકૃષ્ણ સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખીને કર્તવ્ય કરવાનું શીખવે છે. સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે..’’ જીવનમાં હંમેશાં ઇચ્છા પ્રમાણે પરિણામ મળતું નથી,નિષ્ફળતામાં નિરાશ થઈ જવાને બદલે અને સફળતામાં અહંકાર કરવાને બદલે સ્થિર રહીને આગળ વધવું એ આત્મ-નિયંત્રણનું સ્વરૂપ છે.સમત્વનો અર્થ લાગણીઓનો અભાવ નહીં પરંતુ લાગણીઓ હોવા છતાં વિવેકબુદ્ધિ જાળવવી એવો છે. કઠોપનિષદના રથરૂપકમાં શરીરને રથ, બુદ્ધિને સારથિ, મનને લગામ અને ઇન્દ્રિયોને ઘોડા તરીકે સમજાવવામાં આવ્યાં છે.સારથી કુશળ હોય અને લગામ યોગ્ય રીતે સંભાળવામાં આવે તો રથ સાચા માર્ગે
આગળ વધે છે,એ જ રીતે બુદ્ધિના માર્ગદર્શન હેઠળ મન અને ઇન્દ્રિયો કાર્ય કરે તો જીવનને યોગ્ય દિશા મળે છે. પતંજલિના યોગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે.. યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહેવામાં આવ્યો છે.ધ્યાન-યોગાભ્યાસ અને સ્વાધ્યાય દ્વારા મનની ચંચળતા ઘટાડીને માનસિક સ્થિરતા વિકસાવી શકાય છે.
આત્મ-નિયંત્રણ કેમ આવશ્યક છે?
અનિયંત્રિત ઇચ્છાઓ માણસને ભોગવિલાસ-વ્યસન અને અસંતોષ તરફ લઈ જઈ શકે છે.ધન, પ્રતિષ્ઠા કે સુખ-સુવિધાઓ મેળવવાની ઇચ્છા સ્વાભાવિક છે પરંતુ તેમની પાછળ આંધળી દોડ માનસિક શાંતિ છીનવી શકે છે. ક્રોધની એક ક્ષણમાં બોલાયેલા શબ્દો વર્ષોના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. લોભ અને ઈર્ષ્યા માણસને બીજાઓ સાથે સતત સરખામણી કરવા પ્રેરે છે. અતિશય મોબાઇલનો ઉપયોગ- નશો અને અન્ય હાનિકારક આદતો સ્વાસ્થ્ય-સમય અને જવાબદારીઓને અસર કરી શકે છે. જ્યારે માણસ ક્ષણિક આનંદને લાંબા ગાળાના હિત કરતાં વધુ મહત્વ આપે છે ત્યારે અભ્યાસ, કારકિર્દી, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસનાં લક્ષ્યો અધૂરાં રહી શકે છે તેથી આત્મ-નિયંત્રણ સંતુલિત અને જવાબદાર જીવન માટે અનિવાર્ય છે.
આત્મ-નિયંત્રણ કેવી રીતે વિકસાવવું?
ઉચ્ચ લક્ષ્ય નક્કી કરો..જીવનનો હેતુ સ્પષ્ટ હોય તો સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો સરળ બને છે.જ્ઞાન,સદાચાર,પરિવારની જવાબદારી,સમાજસેવા અને આધ્યાત્મિક વિકાસને જીવનનાં લક્ષ્યો બનાવો. નિયમિત દિનચર્યા બનાવો..સમયસર ઊઠવું, સૂવું, સંતુલિત ભોજન લેવું, કસરત કરવી અને કામ માટે નિશ્ચિત સમય રાખવો, નાના સંકલ્પોથી શરૂઆત કરવી વધુ અસરકારક છે.
ઇન્દ્રિયોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો..આંખો શું જુએ છે, કાન શું સાંભળે છે અને જીભ શું બોલે છે તેના પ્રત્યે જાગૃત રહો, વાણીમાં મર્યાદા રાખો અને હાનિકારક આદતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
ધ્યાન અને પ્રાર્થના કરો..દરરોજ થોડો સમય ધ્યાન-પ્રાર્થના કે આત્મચિંતન માટે ફાળવો, મન ભટકે ત્યારે નિરાશ થવાને બદલે તેને ધીરજથી ફરી એકાગ્ર કરો. સેવા-સુમિરણ-સત્સંગને જીવનનું અંગ બનાવો..ભગવાને સુખના સાધનો આપ્યા હોય તો યથાશક્તિ
જરૂરતમંદોની સેવા કરો, પ્રભુના નામનું સુમિરણ કરો, સારા વિચારોનું વાંચન કરો, સદાચારી સંત મહાપુરૂષોનો સંગ કરો અને શાસ્ત્રોના ઉપદેશને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ઇચ્છા અને ક્રિયા વચ્ચે વિરામ રાખો..ક્રોધ આવે કે કોઈ આકર્ષણ સામે મન અશાંત બને ત્યારે તરત નિર્ણય ન લો, પોતાને પૂછો કે “હું જે કાર્ય કરી રહ્યો છું તે યોગ્ય છે? તેનું પરિણામ શું આવશે? શું તે મારા લાંબા ગાળાના હિતમાં છે?”
ભૂલમાંથી બોધપાઠ લો..આત્મ-નિયંત્રણ એક દિવસમાં વિકસતું નથી, ભૂલ થાય તો તેનું કારણ સમજો, જરૂર પડે ત્યારે માફી માગો અને ફરીથી પ્રયત્ન શરૂ કરો, પોતાની સાથે ધીરજ અને કરૂણા રાખવી પણ જરૂરી છે. આત્મ-નિયંત્રણના લાભ..આત્મ-નિયંત્રણથી જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવી શકે છે, માનસિક શાંતિ મળે છે, વિચારો અને લાગણીઓનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. લક્ષ્યનીપ્રાપ્તિ થાય છે, એકાગ્રતા-નિયમિતતા અને ધૈર્ય વધે છે.આત્મવિશ્વાસ વધે છે, પોતાના સંકલ્પો પૂરા કરવાથી પોતાની
ક્ષમતા પ્રત્યે વિશ્વાસ વધે છે. સ્વાસ્થ્ય સુધરે છે. સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને કસરત જેવી સારી આદતો જાળવવામાં સહાય મળે છે. સંબંધોમાં મધુરતા આવે છે. વાણીમાં સંયમ અને ધીરજથી સંબંધો મજબૂત બને છે. આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. પ્રાર્થના-ધ્યાન-સ્વાધ્યાય અને આત્મચિંતન માટે અનુકૂળતા ઊભી થાય છે.
આત્મ-નિયંત્રણ અને આધ્યાત્મિક જીવન..
આધ્યાત્મિક જીવનનો હેતુ માત્ર ધાર્મિક વિધિઓનું પાલન કરવાનો નથી પરંતુ પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાનો પણ છે. જો માણસ સેવા-સુમિરણ-સત્સંગ કરે, શાસ્ત્રો વાંચે પરંતુ વ્યવહારમાં ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લોભને વધવા દે તો તેણે મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવાની જરૂર છે. સાચી સાધના ત્યારે ફળદાયી બને છે જ્યારે માણસ પોતાની ખામીઓને ઓળખે, વાણીમાં મધુરતા લાવે, બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે અને કર્તવ્યો નિષ્ઠાથી નિભાવે. આત્મ-નિયંત્રણનો અર્થ પોતાની લાગણીઓને દબાવવો નહીં પરંતુ તેમને સમજીને યોગ્ય રીતે વ્યક્ત કરવો છે. પોતાની મર્યાદાઓ સમજવી, જરૂર પડે ત્યારે મદદ માગવી અને પોતાની સાથે કરૂણાભર્યું વર્તન કરવું પણ સંતુલિત જીવનનો ભાગ છે.
આત્મ-નિયંત્રણ માટે દૈનિક સંકલ્પ..
દરરોજ નીચેના સંકલ્પોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ..મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં નહીં લઉં, ક્રોધ આવે ત્યારે વાણી પર સંયમ રાખીશ, જરૂરિયાત અને અનાવશ્યક ઇચ્છા વચ્ચેનો તફાવત સમજીશ, સમય-ધન અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરીશ, દરરોજ સેવા-સુમિરણ-સત્સંગ,પ્રાર્થના,ધ્યાન કે આત્મ ચિંતન માટે સમય ફાળવીશ, બીજાની સફળતાથી ઈર્ષ્યા કરવાને બદલે પ્રેરણા લઈશ, ભૂલ થાય ત્યારે જવાબદારી સ્વીકારીને તેને સુધારીશ, ક્ષણિક આનંદ કરતાં લાંબા ગાળાના હિતને પ્રાથમિકતા આપીશ, દરરોજ રાત્રે પોતાના વર્તનનું આત્મપરીક્ષણ કરીશ. આત્મ-નિયંત્રણ માનવજીવનની આંતરિક શક્તિ છે જે માણસને પોતાની ઇચ્છાઓ-લાગણીઓ અને આવેગોનો ગુલામ બનતાં અટકાવે છે.ભગવદ્ગીતા મનને મિત્ર કે શત્રુ બનવાની શક્તિ ધરાવતું તત્વ સમજાવે છે, કઠોપનિષદ બુદ્ધિના માર્ગદર્શનનું મહત્વ દર્શાવે છે અને યોગદર્શન મનની વૃત્તિઓને સંયમિત કરવાની પ્રેરણા આપે છે. જીવનમાં ઇચ્છાઓ હોવી ખોટી નથી પરંતુ તેમને યોગ્ય દિશા આપવી જરૂરી છે. લાગણીઓ હોવી સ્વાભાવિક છે પરંતુ તેમના આવેગમાં આવીને ખોટા નિર્ણયો લેવા યોગ્ય નથી.ક્ષણિક સુખ માટે લાંબા ગાળાનું હિત ગુમાવવું પણ સમજદારી નથી. મનને જીતવું એ આત્મવિજય છે, ઇન્દ્રિયોને વિવેકથી ચલાવવાં એ સંયમ છે અને જીવનને સદવિચારો તથા સદકર્મોની દિશામાં વાળવું એ સાચી પ્રગતિ છે. આત્મ-નિયંત્રણ એ બંધન નથી પરંતુ પોતાની જાતને સાચી દિશામાં લઈ જવાની સ્વતંત્રતા છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




