
લદ્દાખના ન્યોમા એરફિલ્ડ પર લેન્ડિંગ ભારતીય વાયુસેનાના IL-76 વિમાનનું ઐતિહાસિક લેન્ડિંગ ૧૩,૬૨૯ ફૂટની ઊંચાઈએ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ વિમાન સફળતાપૂર્વક ઉતર્યું; ચીન સરહદ નજીક હવાઈ પરિવહન ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ભારતીય વાયુસેનાએ ઊંચાઈવાળા વિસ્તારોમાં હવાઈ પરિવહન ક્ષમતાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વાયુસેનાના વિશાળ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ વિમાન IL-76 MD એ લદ્દાખના ન્યોમા એરફિલ્ડ પર આશરે ૧૩,૬૨૯ ફૂટની ઊંચાઈએ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. આ સિદ્ધિને ભારતીય વાયુસેનાના અત્યંત પડકારજનક હિમાલયી વિસ્તારોમાં પરિવહન કામગીરીના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જાેવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા મારફતે આ સફળતાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, IL-76 MD વિમાને ન્યોમા એરફિલ્ડ પર સફળ લેન્ડિંગ કરીને નવી સિદ્ધિ નોંધાવી છે. આ પ્રકારના ભારે પરિવહન વિમાનનું આટલી ઊંચાઈએ સંચાલન કરવું અત્યંત પડકારજનક માનવામાં આવે છે. પૂર્વ લદ્દાખમાં આવેલું ન્યોમા એરફિલ્ડ ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ વિસ્તાર ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (LAC) નજીક આવેલો હોવાથી અહીં હવાઈ પરિવહન અને લશ્કરી લોજિસ્ટિક્સની સુવિધાઓનું વિશેષ મહત્ત્વ છે. ભારે પરિવહન વિમાનોની કામગીરીથી સૈનિકો, જરૂરી સાધનો અને પુરવઠો પહોંચાડવાની ક્ષમતાને નવી મજબૂતી મળી શકે છે. સમુદ્ર સપાટીથી આશરે ૧૩,૬૨૯ ફૂટની ઊંચાઈએ હવાનું દબાણ અને ઘનતા પ્રમાણમાં ઓછી હોય છે. આવી સ્થિતિમાં વિમાનના એન્જિનની કામગીરી, પાંખો દ્વારા ઉત્પન્ન થતું લિફ્ટ અને ટેકઓફ તથા લેન્ડિંગની પ્રક્રિયા વધુ પડકારજનક બને છે. ખાસ કરીને ભારે વજન ધરાવતા પરિવહન વિમાનો માટે આવી પરિસ્થિતિમાં સંચાલન કરવા વિશેષ આયોજન અને કુશળતાની જરૂર પડે છે. IL-76 MD રશિયન બનાવટનું ચાર એન્જિન ધરાવતું ભારે પરિવહન વિમાન છે. ભારતીય વાયુસેનામાં તેને ગજરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સૈનિકો, લશ્કરી સાધનો, ભારે વાહનો અને અન્ય જરૂરી સામગ્રીના પરિવહન માટે થાય છે. આ વિમાનની મુખ્ય વિશેષતાઓમાં તેની અંદાજે ૪૦થી ૫૦ ટન સુધીની વહન ક્ષમતા, લાંબા અંતરની ઉડાન ભરવાની ક્ષમતા અને ભારે લશ્કરી સામગ્રીનું પરિવહન કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તેની મહત્તમ ઝડપ આશરે ૮૫૦ કિલોમીટર પ્રતિ કલાક છે. ન્યોમા એરફિલ્ડ પરની આ સફળ કામગીરીથી ભારતીય વાયુસેનાની ઊંચાઈવાળા અને દુર્ગમ સરહદી વિસ્તારોમાં પરિવહન ક્ષમતાને નવી દિશા મળવાની શક્યતા છે.




