Baba Ramdev: પતંજલિ ગ્રુપની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. હવે પતંજલિ ફૂડ્સને GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરફથી નોટિસ મળી છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અહીં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અવમાનના કેસમાં ફરી સુનાવણી ચાલી રહી છે. યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં પહોંચ્યા છે.
અહેવાલ છે કે પતંજલિ ફૂડ્સને આ નોટિસ GST ઇન્ટેલિજન્સનાં ચંદીગઢ ઝોનલ યુનિટ તરફથી મળી છે. કારણ બતાવો નોટિસ દ્વારા પૂછવામાં આવ્યું છે કે શા માટે કંપની પાસેથી રૂ. 27.46 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વસૂલવામાં ન આવે.
કંપનીએ કહ્યું, ‘એક કારણ બતાવો નોટિસ મળી છે… જેમાં કંપની, તેના અધિકારીઓ અને પદાધિકારીઓને કારણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે શા માટે રૂ. 27,46,14,343ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ વસૂલવામાં ન આવે (સાથે વ્યાજ). તેમજ દંડ શા માટે ન લગાવવો જોઈએ…. પતંજલિ ફૂડ્સ કહે છે, ‘અત્યાર સુધી માત્ર કારણ બતાવો નોટિસ મળી છે અને કંપની પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.’
ગયા અઠવાડિયે જ પતંજલિ ફૂડ્સે કહ્યું હતું કે પ્રમોટર ગ્રુપ પતંજલિ આયુર્વેદના નોન-ફૂડ બિઝનેસને હસ્તગત કરવાની દરખાસ્તનું મૂલ્યાંકન કરવામાં આવશે. પતંજલિ ફૂડ્સ, જે મુખ્યત્વે ખાદ્ય તેલનો વેપાર કરે છે, તેણે તેના નિયમનકારી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે તેના બોર્ડે પતંજલિ આયુર્વેદ લિમિટેડ તરફથી મળેલા પ્રસ્તાવ પર ચર્ચા કરી છે.