Kyrgyzstan: રાજધાની બિશ્કેકમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ હિંસામાં પાકિસ્તાનના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. માહિતી અનુસાર, 13 મેના રોજ કિર્ગીઝ વિદ્યાર્થીઓ અને ઇજિપ્તના મેડિકલ સ્ટુડન્ટ્સ વચ્ચે ઝઘડો થયો હતો, જે પછી સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ કિર્ગિસ્તાન હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી.
પરિસ્થિતિ હવે શાંત છે: એસ જયશંકર
કિર્ગિસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક છે. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, બિશ્કેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ પરિસ્થિતિ શાંત છે. વિદ્યાર્થીઓને એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી છે
કિર્ગિસ્તાનમાં ભારતીય દૂતાવાસે લખ્યું, “અમે અમારા વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ શાંત છે, પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલ પૂરતું ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં દૂતાવાસનો સંપર્ક કરે. અમારો 24×7 સંપર્ક નંબર છે. 0555710041.
પીએમ શાહબાઝે ચિંતા વ્યક્ત કરી
પાકિસ્તાનની કેટલીક વિદ્યાર્થીનીઓની સતામણીનો મામલો પણ સામે આવ્યો છે. આ મામલે ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે એક પોસ્ટ લખી હતી, “મારી ઓફિસ પણ દૂતાવાસના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.”