
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા લોકહિતમાં નવી પહેલ શરૂ કરાતા, ગુજરાતમાં મકાન, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરતા લોકો માટે નવી સુવિધા શરૂ થવા જઈ રહી છે. હવે પ્રોપર્ટી ખરીદતા પહેલાં બિલ્ડર કે પ્રમોટરનો ભૂતકાળ અને તેનો ટ્રેક રેકોર્ડ માત્ર એક ક્લિકમાં જાણી શકાશે. ગુજરાત રેરાના વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર "પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ" નામનો નવો વિભાગ ઉમેરવામાં આવશે. આ સુવિધા શરૂ થયા બાદ ગ્રાહકો જે પ્રોજેક્ટમાં ઘર કે દુકાન ખરીદવા માંગતા હોય તેના બિલ્ડરે અગાઉ રાજ્યમાં કયા પ્રોજેક્ટ બનાવ્યા છે, તેની કામગીરી કેવી રહી છે અને અન્ય પ્રોજેક્ટમાં તેની સામે કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તેની પણ માહિતી મેળવી શકાશે.
આ ઉપરાંત ફરિયાદ અંગે ગુજરાત રેરાએ આપેલા ચુકાદા, લીધેલાં પગલાં અને ફટકારવામાં આવેલી પેનલ્ટીની વિગતો પણ જોઈ શકાશે. એ સાથે ગ્રાહકો ફરિયાદના ચુકાદાની નકલ પણ જોઈ શકશે. ગુજરાત રેરા દ્વારા બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય અથવા પેનલ્ટી ફટકારવામાં આવી હોય તો તેની વિગતો પણ પોર્ટલ પર મળશે. આ સાથે વધારામાં પ્રમોટરે પોતાના વિવિધ પ્રોજેક્ટના કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યા છે તેની માહિતી પણ ઉપલબ્ધ થશે.
જેના આધારે ગ્રાહકો બિલ્ડરની કામગીરી અને પ્રોજેક્ટ પ્રત્યેની જવાબદારીનો અંદાજ મેળવી શકશે. ગુજરાત રેરાના વેબ પોર્ટલ પર હાલમાં રાજ્યના ૧૭ હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી ઉપલબ્ધ છે.નાગરિકો કોઈપણ પ્રકારના લોગ ઈન વિના પ્રોજેક્ટનું નામ અથવા રેરા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને તેની વિગતો મેળવી શકે છે.
આમ ગુજરાત રેરાની આ પહેલથી ખરીદદારોને પ્રોપર્ટીમાં રોકાણ કરતાં પહેલાં પ્રમોટરનો ભૂતકાળ તપાસવાની તક મળશે. સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવામાં પણ આ સુવિધા ઉપયોગી બની શકે છે.




