ગુજરાતના સુરતમાં એક કરુણ માર્ગ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે ગુજરાતના સુરત જિલ્લામાં શાકભાજીથી ભરેલી ટ્રક પલટી ગઈ હતી, જેના કારણે ત્રણ મજૂરોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે નેશનલ હાઈવે 53 પર બારડોલીના કિકવાડ ગામ પાસે આ અકસ્માત થયો હતો. બારડોલી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.વસાવાએ જણાવ્યું હતું કે શાકભાજી ભરીને ટ્રક પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી સુરત શહેર તરફ જઈ રહી હતી.
ઇન્સ્પેક્ટર વસાવાએ જણાવ્યું હતું કે, ‘ટ્રક ડ્રાઇવર સુરેશ પવાર ખૂબ જ ઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો કારણ કે તે ટ્રકમાં શાકભાજીની સારી કિંમત મેળવવા માટે સવારના સમય પહેલા સુરત પહોંચવા માંગતો હતો. દરમિયાન તેણે ટ્રક પરનો કાબુ ગુમાવતા કીકવાડ પાસે પલટી મારી ગઈ હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ટ્રકમાં દસ મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.