Mumbai Rain: મુંબઈમાં વરસાદી માહોલ જારી છે અને હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે મુંબઈના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં શનિવાર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. તે જ સમયે, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 15 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવાઈ સેવાઓ પ્રભાવિત
મુંબઈમાં ભારે વરસાદને કારણે ધુમ્મસ છે. જેના કારણે મુંબઈમાં હવાઈ સેવા પણ ખોરવાઈ ગઈ છે. વિવિધ એરલાઈન્સે મુસાફરોને અપડેટેડ ફ્લાઈટ સ્ટેટસ ચેક કરતા રહેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘મુંબઈમાં ભારે વરસાદ અને ભારે હવાઈ ટ્રાફિકને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. ફ્લાઇટનું સ્ટેટસ સતત ચેક કરતા રહો. તેવી જ રીતે, એર ઈન્ડિયાએ પણ મુસાફરોને સમય પહેલા એરપોર્ટ જવા માટે અપીલ કરી છે કારણ કે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામના કારણે તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ભારે વરસાદને કારણે અંધેરી અને જોગેશ્વરી રેલવે સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. ગુરુવારથી શુક્રવાર સવારે 8 વાગ્યા સુધી મુંબઈમાં 93 મિમી વરસાદ નોંધાયો હતો. પૂર્વ મુંબઈમાં 66 મીમી અને પશ્ચિમ મુંબઈમાં 78 મીમી વરસાદ નોંધાયો છે. BMC અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ રૂટ પર પાણી ભરાવાને કારણે બસોના રૂટ બદલવામાં આવ્યા છે.
મુંબઈની સાથે પાલઘર, રાયગઢમાં પણ ભારે વરસાદનું એલર્ટ
મુંબઈમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ટ્રેન સેવાઓ હાલમાં રાબેતા મુજબ ચાલી રહી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 93 મીમી વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગે મુંબઈ તેમજ પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં આગામી 4-5 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહી શકે છે.