ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી આ મેચ પીઆર શ્રીજેશની કારકિર્દીની છેલ્લી મેચ હતી. હવે તેને આ ઓલિમ્પિકમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર પણ મળ્યો છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ મેડલ સાથે હોકી ટીમે પણ ઈતિહાસ રચ્યો છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે હોકી સ્પર્ધામાં સૌથી વધુ 13 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં ગોલકીપર પીઆર શ્રીજેશનું ખાસ યોગદાન છે. આ ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ ગોલકીપર પીઆર શ્રીજેશે જાહેરાત કરી હતી કે આ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેની છેલ્લી ટુર્નામેન્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને આ પ્રદર્શન માટે પુરસ્કાર પણ મળ્યો છે.
આટલી મોટી જવાબદારી મળી
હોકી ઈન્ડિયાએ ટીમ ઈન્ડિયાના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશને મોટી જવાબદારી સોંપી છે. પીઆર શ્રીજેશના અનુભવ અને યોગદાનને ધ્યાનમાં રાખીને હોકી ઈન્ડિયાએ તેમને જુનિયર મેન્સ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે, જેમાં તેઓએ પીઆર શ્રીજેશનો ફોટો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે પીઆર શ્રીજેશ જુનિયર મેન્સ હોકી ટીમના નવા હેડ કોચ તરીકે આ જવાબદારી સંભાળશે. પીઆર શ્રીજેશ ભવિષ્યમાં પણ આ જ રીતે તમામ યુવાનોને પ્રેરણા આપતા રહેશે. અમે તેમના કોચિંગ કાર્યકાળની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.