
UMEED પોર્ટલ પર વકફ સંપત્તિની ૫.૧૭ લાખ અરજી મળી, ૨.૧૭ લાખને મંજૂરી અપાઈ.પોર્ટલ પર વકફ સંપત્તિઓની વિગતો અપલોડ કરવા માટે ૬ ડિસેમ્બર સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી.ભારતમાં વકફ સંપત્તિઓના વ્યવસ્થાપન માટે ેંસ્ઈઈડ્ઢ સેન્ટ્રલ પોર્ટલને ૬ જૂનના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતું. પોર્ટલ પર વકફ સંપત્તિઓની વિગતો અપલોડ કરવા માટે ૬ ડિસેમ્બર સુધીની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયગાળામાં ૫.૧૭ લાખ સંપત્તિઓની વકફ હેઠળ નોંધણી કરાવવા માટે અરજી થઈ હતી, જેમાંથી ૨,૧૬,૯૦૫ અરજીને માન્યતા આપવામાં આવી હતી.UMEED એક્ટ, ૧૯૯૫ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, લઘુમતિ બાબતોના કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુના હસ્તે UMEED પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. વકફ સંપત્તિઓના અસરકારક સંચાલન તથા લઘુમતી સમાજના લાભ માટે તેનો ઉપયોગ કરવાના હેતુથી આ કવાયત હાથ ધરાઈ હતી. મુદત પૂરી થવાના છેલ્લા
દિવસોમાં સંપત્તિની વિગતો નોંધાવવા માટે અરજીઓની સંખ્યા વધી હતી. રિજિજુએ કહ્યુ હતું કે, છેલ્લા કલાકો દરમિયાન અપલોડની સંખ્યા વધારવા સંખ્યાબંધ રીવ્યૂ બેઠકો અને ટ્રેનિંગ વર્કશોપથી માંડીને સચિવ કક્ષાએ કામગીરી નિયત કરવામાં આવી હતી. મંત્રાલયે રજૂ કરેલી વિગતો મુજબ, ૫,૧૭,૦૪૦ વકફ સંપત્તિની વિગતો પોર્ટલ પર રજૂ કરાઈ હતી અને ડેઝિગ્નેટેડ એપ્રુવર્સ દ્વારા ૨,૧૬,૯૦૫ સંપત્તિને મંજૂરી આપવામાં આવી છે. સમયમર્યાદા પૂરી થતી વખતે કુલ ૨,૧૩,૯૪૧ સંપત્તિઓ સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. વેરિફિકેશન દરમિયાન ૧૦,૮૬૯ સંપત્તિને રિજેક્ટ કરી દેવાઈ હતી. આ દેશ વ્યાપી કવાયત માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વકફ બોર્ડ તથા લઘુમતિ બાબતોના વિભાગ સાથે સંખ્યાબંધ વર્કશોપ તથા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. દિલ્હી ખાતે બે દિવસની વિશેષ ટ્રેનિંગ અપાઈ હતી, જેથી અધિકારીઓને અપલોડિંગ પ્રોસેસમાં હથોટી આવી શકે.પોર્ટલ પર રજૂ થયેલી વકફ સંપત્તિઓમાં સૌથી વધુ ફાળો ઉત્તર પ્રદેશનો છે. ઉત્તર પ્રદેશમાં ૯૨,૮૩૦ સંપત્તિઓ છે, જેમાંથી ૮૬,૩૪૫ સુન્ની અને ૬,૪૮૫ શિયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૬૨,૯૩૯ અને કર્ણાટકમાં ૫૮,૩૨૮ વકફ સંપત્તિની વિગતો અપલોડ થઈ હતી. પશ્ચિમ બંગાળમાં ૨૩,૦૮૬ વકફ સંપત્તિનું પોર્ટલ પર સબમિશન થયુ હતું.




