IPL 2025 પહેલા આ મહિને યોજાનારી મેગા ઓક્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. આ માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ભારતના 23 ખેલાડીઓએ બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી ત્રણ સૌથી મોટા નામ રિષભ પંત, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર છે.
નવાઈની વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓ પોતપોતાની ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે, પરંતુ આ પછી પણ તેઓને બહાર કરવામાં આવ્યા હતા. જો કે, આ ત્રણેય ખેલાડીઓને મેગા ઓક્શનમાં મોટો ફાયદો મળી શકે છે, જ્યાં ત્રણેય ખેલાડીઓને બેઝ પ્રાઈસ કરતા દસ ગણી વધુ રકમ મળી શકે છે. કારણ કે પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ઘણી ટીમો કેપ્ટનની શોધમાં છે.
જો આપણે ભારત સિવાય વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર બે ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું નામ સામેલ છે. સ્ટાર્કને ગયા વર્ષે રેકોર્ડબ્રેક રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ આ વર્ષે કેકેઆરએ તેને રિલીઝ કરી દીધો છે.
બીજી તરફ, આર્ચર 2023 થી IPL રમ્યો નથી અને તે પુનરાગમન કરવા માંગે છે. અત્યાર સુધીનું સૌથી ચોંકાવનારું નામ છે જેમ્સ એન્ડરસનનું, જેણે 42 વર્ષની ઉંમરે IPL રમવાનું નક્કી કર્યું છે. આ ફાસ્ટ બોલરે 2014 પછી એકપણ ટી20 મેચ રમી નથી. આ દરમિયાન સરફરાઝ ખાન અને પૃથ્વી શૉએ 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ નક્કી કરીને સુરક્ષિત દાવ રમ્યો છે.
2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓઃ ઋષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ખલીલ અહેમદ, દીપક ચહર, વેંકટેશ ઐયર, અવેશ ખાન, ઈશાન કિશન, મુકેશ કુમાર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ , ટી નટરાજન, દેવદત્ત પડિકલ, કૃણાલ પંડ્યા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મિશેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર.
1.25 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓઃ જેમ્સ એન્ડરસન.
75 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓઃ સરફરાઝ ખાન અને પૃથ્વી શૉ.