
પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પૂછપરછ બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પોલીસ તેના ઘરે પહોંચી ગઈ છે અને ત્યારબાદ અભિનેતાને કારમાં પોલીસ સ્ટેશન લઈ જતો જોવા મળ્યો હતો. હવે પોલીસે પોતે પુષ્ટિ કરી છે કે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.
વાસ્તવમાં, ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાહકો અભિનેતાની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
પુષ્પા 2 ની રિલીઝ પહેલા 4 ડિસેમ્બરની રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં અભિનેતાને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. આ પછી પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો જેના કારણે નાસભાગ મચી ગઈ. આ દરમિયાન રેવતી નામની 35 વર્ષની મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતમાં મહિલાનો 13 વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પછી, પોલીસે મહિલાના પરિવાર દ્વારા 5 ડિસેમ્બરે નોંધાવેલી ફરિયાદના આધારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અભિનેતા પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુને FIR રદ કરવાની માંગ કરી હતી
અભિનેતાએ આ મામલે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુને બુધવારે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે મહિલાના મોતના મામલામાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. તેમણે અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી ધરપકડ અને અન્ય કાનૂની કાર્યવાહી પર રોક લગાવવા વિનંતી કરી હતી.
અલ્લુએ વળતરની જાહેરાત કરી હતી
જો કે આ પહેલા પણ અભિનેતાએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે વળતરની પણ જાહેરાત કરી હતી. એક્સ પર પોસ્ટ કરતા અલ્લુએ લખ્યું હતું કે, ‘અમારી સંવેદના પીડિતાના પરિવારના સભ્યો સાથે છે. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દુ:ખના સમયમાં બિલકુલ એકલા નથી. અભિનેતાએ પરિવારને 25 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.
