તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં ચાર વાહનો વચ્ચે અથડામણને કારણે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઝડપી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ અને કાબૂ બહાર ગઈ. તે જ સમયે એક કાર બંને વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી. ટક્કર બાદ કાર ઘટનાસ્થળે જ કચડાઈ ગઈ હતી, જ્યારે ટ્રક રેલિંગ સાથે અથડાઈને પુલની નીચે પલટી ગઈ હતી. ઘટના દરમિયાન વાહનોમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.
સાંસદે નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો
તે જ સમયે, આ દુર્ઘટના બાદ બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ મદદ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના બાદ ધર્મપુરીના સાંસદ અને ડીએમકેના નેતા ડૉ. સેંથિલ કુમારે કેન્દ્રને આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે એલિવેટેડ નેશનલ હાઈવે પર કામ પૂર્ણ કરવા વિનંતી કરી છે.
તેમણે કહ્યું કે થોપપુર એલિવેટેડ હાઈવે માટે 758 કરોડ રૂપિયામાં ટેન્ડર બિડને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. છેલ્લા 13 વર્ષમાં આ ખતરનાક વળાંક પર 1032 અકસ્માતો થયા છે અને 256 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ગઈકાલે 4 લોકોના મોત થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને તેનું કામ પૂર્ણ કરવા વિનંતી કરી છે.