
તહેવારમાં ઈમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા હોળી-ધૂળેટીમાં ૧૦૮ સેવાનો માસ્ટર પ્લાન તહેવાર દરમિયાન ઇમર્જન્સી કેસોના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો, ધૂળેટીના દિવસે સૌથી વધુ જાેખમ જાેવા મળી રહ્યું છે ગુજરાતમાં હોળી અને ધૂળેટીના આગામી તહેવારો દરમિયાન ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને લીધે ૧૦૮ EMS દ્વારા રાજ્યવ્યાપી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ભૂતકાળના ડેટા અને વર્તમાન શક્યતા અનુસાર, સામાન્ય દિવસોમાં નોંધાતા સરેરાશ ૪,૬૭૯ કેસોની સરખામણીએ હોળી (૨-૩ માર્ચ) દરમિયાન કેસોમાં ૧૨.૩૧ ટકા અને ધૂળેટી (૪ માર્ચ)ના રોજ કેસોમાં ૪૪.૧૩ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે હોળીની ઉજવણી બે દિવસ લંબાઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા તે મુજબનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યાનુસાર,તહેવાર દરમિયાન ઇમર્જન્સી કેસોના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો, ધૂળેટીના દિવસે સૌથી વધુ જાેખમ જાેવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોના ૬૩૧ કેસની સામે ધૂળેટીએ માર્ગ અકસ્માતના કેસોમાં ૧૨૭.૮૯%નો વધારો થઈને ૧,૪૩૮ કેસ નોંધાઈ શકે છે. તેવી જ રીતે, શારીરિક મારામારીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક ૪૦૧%નો વધારો થવાની આગાહી છે. આણંદ, દાહોદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં ઇમર્જન્સી કેસોમાં ૨૦%થી વધુનો ઉછાળો જાેવા મળી શકે છે. બિન-વાહન અકસ્માતોમાં પણ ધૂળેટીના દિવસે ૧૬૪.૭૬% જેટલા વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૧૦૮-ઈસ્જી દ્વારા રાજ્યભરમાં ૧,૪૯૩ એમ્બ્યુલન્સને સંપૂર્ણ કાર્યરત રાખવામાં આવી છે. હોસ્પિટલોમાં વધારાના સુપરવાઇઝરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે.




