
પોલીસ કમિશનરનું જાહેરનામુ હોળી-ધૂળેટી પર્વે રાહદારીઓ કે વાહનો ઉપર રંગ નાંખવા પર પ્રતિબંધ મુકાયો અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક આદેશોનું પાલન કરવા નાગરિકોને સૂચના અપાઇ છે
આગામી હોળી ધૂળેટીના પર્વે પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક આદેશોનું પાલન કરવા નાગરિકોને સૂચના અપાઇ છે.
આગામી ૩ માર્ચે હોળી અને ૪ માર્ચે ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે હોળી -ધૂળેટી તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટીઓ, શેરી નાકા, જાહેર સ્થળો પર અને ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે. ઉજવણી દરમિયાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહોનમાં આવતા જતા લોકો પાસેથી કેટલાક શખ્સ દ્વારા હોળી ધૂળેટીના પૈસા ઉઘરાવવા તથા તેમની પર રંગ કે રંગ મિશ્રિત પાણી અને સિન્થેટિક રંગો ઉપરાંત કાદવ કિચડ અથવા તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતા છે જેથી જાહેર જનતાને જાેખમ ઉભુ થાય છે અને સુલેહ શાંતિનો પણ ભંગ થઇ શકે તેવી શક્યતાઓ હોય છે.આથી પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને હુકમ કર્યો છે કે કોઇ વ્યક્તિઓ કે શખ્સોએ જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ ઉપર કે વાહનો અથવા મિલકતો કે મકાનો પર કાદવ, કિચડ , રંગ કે સિન્થેટિક રંગ અથવા રંગ મિશ્રિત પાણી અથવા તૈલી પદાર્થ કે આવી કોઇ બીજી વસ્તુઓ નાંખવી નહી અને જાહેર રસ્તા પર આવતા જતા રાહદારીઓ અથવા વાહનોને રોકવા નહી.




