ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. સૂર્યકુમાર યાદવની ટીમ આ મેચ ખૂબ જ સરળતાથી જીતવામાં સફળ રહી હતી. જે બાદ ભારત હવે આ શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શાનદાર જીત બાદ ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમારે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
સૂર્યકુમાર યાદવે અર્શદીપ સિંહ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સાથે ત્રણ સ્પિનરોને રમવા અંગે ખુલીને વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો.
સૂર્યકુમાર યાદવે મેચ બાદ પોતાની વ્યૂહરચના વિશે વાત કરતા કહ્યું, “ટોસ જીત્યા બાદ ટીમમાં જે ઉર્જા હતી, તેણે મેચની દિશા નક્કી કરી. બોલરોએ તેમની યોજનાને ખૂબ જ સારી રીતે અમલમાં મૂકી અને મેદાન પર જબરદસ્ત ઊર્જા દર્શાવી. બેટિંગ કરીને અમને પણ જરૂરી ઉત્સાહ મળ્યો.”
સૂર્યકુમારે ત્રણ સ્પિનરોને રમવા વિશે કહ્યું, “અમે અમારી તાકાત પર વિશ્વાસ રાખ્યો હતો. અમે દક્ષિણ આફ્રિકામાં પણ આ જ વ્યૂહરચના અપનાવી હતી. હાર્દિકે નવા બોલ સાથે બોલિંગ કરવાની જવાબદારી લીધી, જેના કારણે મને વધારાના સ્પિનરો રમવાની તક મળી અને ત્રણેય સ્પિનરો શાનદાર પ્રદર્શન કર્યું.”
વરુણ ચક્રવર્તીના વખાણ કરતા તેણે કહ્યું, “વરુણ તેની તૈયારી અને સ્પષ્ટ વિચારસરણી માટે જાણીતો છે. આ જ તેને ખાસ બનાવે છે.” અર્શદીપ સિંહ વિશે વાત કરતાં તેણે કહ્યું, “અર્શદીપે નવા બોલ સાથે બોલિંગની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. અનુભવ સાથે, તે વધુ સારો થઈ રહ્યો છે અને વધારાની જવાબદારીઓ લઈ રહ્યો છે.”
મુખ્ય કોચ ગૌતમ ગંભીર અંગે સૂર્યકુમારે કહ્યું, “ગૌતમ ભાઈ અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. અમે 2024ના T20 વર્લ્ડ કપથી થોડું અલગ રમવા માંગીએ છીએ અને અમારી યોજનાઓ એકદમ સ્પષ્ટ છે.”
ભારતે પ્રથમ બોલિંગ કરતા ઈંગ્લેન્ડને 132 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જોસ બટલર (68 રન) સિવાય ઈંગ્લેન્ડના બાકીના બેટ્સમેનોને ભારતીય બોલરોનો સામનો કરવામાં મુશ્કેલી પડી હતી. જવાબમાં ભારતીય ટીમે સંજુ સેમસન (26 રન) અને અભિષેક શર્મા (79 રન)ની તોફાની ઇનિંગ્સના આધારે 12.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 7 વિકેટે મેચ જીતવામાં સફળ રહી હતી.