સોમવારે કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે જતા ખીણમાં કોલ્ડવેવની અસર વધી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દક્ષિણ કાશ્મીરનું પહેલગામ ગઈકાલે રાત્રે ઘાટીમાં સૌથી ઠંડુ સ્થળ હતું. અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં ગઈકાલે રાત્રે માઈનસ સાત ડિગ્રી સેલ્સિયસથી ત્રણ પોઈન્ટ ઘટીને 10 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ અને કાઝીગુંડમાં માઈનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની સંભાવના છે.
જો કે 40 દિવસની તીવ્ર શિયાળાની ‘ચિલ્લાઇ કલાન’ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ કાશ્મીરમાં ઠંડીનું મોજુ યથાવત છે. ખીણ હાલમાં 20-દિવસીય ‘ચિલ્લાઇ-ખુર્દ’ (નાની ઠંડી) ની પકડમાં છે, જે પછી 10-દિવસની ‘ચિલ્લઈ-બચ્ચા’ (હળવી ઠંડી) નો સમયગાળો આવશે.
દિલ્હીમાં ઠંડીથી થોડી રાહત
સોમવારે સવારે દિલ્હીમાં ભારે પવન ફૂંકાયો હતો અને લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે દિવસ વાદળછાયું રહેવાની અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર સવારે 8.30 વાગ્યે સાપેક્ષ ભેજ 96 ટકા હતો. દિલ્હીમાં રવિવારે સવારે 8:30 વાગ્યાથી સોમવારે સવારે 8:30 વાગ્યાની વચ્ચે 0.2 એમએમ વરસાદ નોંધાયો હતો.