
ઈરાનની ખાડી દેશોમાં ધણધણાટી ઇઝરાયેલી યુદ્ધજહાજાે તેહરાન, બૈરુત પર ત્રાટક્યા કેટલાક દેશોએ મધ્યસ્થી માટે પ્રયાસ શરૂ કર્યા, પણ દેશના ગૌરવનું રક્ષણ કરવામાં પીછેહઠ નહીં: ઈરાન ઈરાનના પાટનગર તેહરાનમાં શુક્રવારે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ ભીષણ હુમલા કર્યા હતા. વળતા જવાબમાં ઈરાને મિસાઈલ-ડ્રોન હુમલાથી ઈઝરાયેલ ઉપરાંત અન્ય ખાડી દેશો પર પ્રહાર કર્યા હતા. યુદ્ધનો સાતમો દિવસ વધારે આક્રમક અને વિનાશક રહ્યો છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વાટાઘાટોની શક્યતા ફગાવી બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવા ચીમકી આપી છે.શુક્રવારે વહેલી સવારથી અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. ઈરાને ભૂગર્ભમાં સંતાડેલા બેલાસ્ટિક મિસાઈલ લોન્ચર્સનો નાશ કરવા અમેરિકાના બી-૨ સ્ટીલ્થ બોમ્બર્સે ૨૦૦૦ પાઉન્ડથી વધુ વજનના ૧૨ જેટલા બોમ્બ ઝીંક્યા હતા.
ઈઝરાયેલે પાટનગર તેહરાન ઉપરાંત કેરમનશાહ ખાતે આવેલા મિસાઈલ બેઝ પર બોમ્બ-મિસાઈલ વરસાવ્યા હતા. ઈઝરાયેલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહની છાવણીઓ તબાહ કરવા લેબનોનમાં તબાહી મચાવી હતી. વર્ષ ૨૦૨૪માં ઈઝરાયેલ-લેબનોન વચ્ચે શસ્ત્રવિરામ થયા બાદ સૌથી વધારે ભીષણ હુમલો થયો છે. ઈઝરાયેલે લેબનોન પર તીવ્ર હુમલાની ચીમકી અગાઉ આપેલી હોવાથી બૈરુત અને આસપાસના વિસ્તારના ૯૫,૦૦૦ લોકોએ સલામત સ્થળે સ્થળાંતર માટે ભાગદોડ કરી હતી. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલે કરેલા હુમલામાં ૨૧૭ મત થયા છે અને ૭૯૮ ઘાયલ થયા છે. લેબનોના પાટનગર બૈરુતની બહાર નીકળવા માટે લોકોના ધસારાના પગલે ચારે તરફ વાહનોનો ખડકલો હતો અને તેના કારણે ચારે તરફ ધુમાડા જાેવા મળતા હતા. બે હોસ્પિટલમાંથી દર્દીઓ અને સ્ટાફને ખેડી લેવાયા હતા. બૈરુતના લોકો હુમલાની બીકે રાત્રે પણ ઘરે જવાના બદલે ખુલ્લામાં ઝાડ નીચે રહેવાનું પસંદ કરે છે. હિઝબુલ્લાએ પોતાના લડવૈયાઓને દેશ માટે મરી ફિટવા હાકલ કરી છે અને શત્રુઓ દેખાતાની સાથે જ ઠાર મારવા જણાવ્યું છે. લેબનોનના વડાપ્રધાન નવફ સાલમે દેશની આ દશા બદલ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ બંનેની ટીકા કરી છે. નવફે કહ્યું હતું કે, લેબનોનની સરકાર કે નાગરિકોએ આ યુદ્ધ પસંદ કર્યું નથી. શરૂઆતમાં ત્રિપક્ષીય જણાતા આ યુદ્ધનો ભડકો ૧૪ જેટલા ખાડી દેશોને દઝાડી રહ્યો છે.હિન્દ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને નષ્ટ કર્યા પછી અમેરિકાએ દરિયામાં ઈરાનના ડ્રોન કેરિયરને ફૂંકી માર્યુ હતું. IRIS શાહિદ બઘીર નામના કન્ટેનર શિપ પર ડ્રોન માટે ૧૮૦ મીટર લાંબો રનવે બનાવાયો હતો. આ જહાજ રીફ્યુલ કર્યા વગર દરિયામાં ૨૨,૦૦૦ નોટિકલ માઈલ સુધી સફર કરવા સક્ષમ હતું. ઈરાને ૨૦૨૫માં જ સૈન્યમાં સમાવેલા આ જહાજને નષ્ટ કરી અમેરિકાએ ઈરાનની ડ્રોન હુમલાની ક્ષમતા પર વાર કર્યાે છે. ઈરાને વળતા જવાબમાં ઈઝરાયેલ પર ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકી સૈન્યની છાવણી ધરાવતા કુવૈત, કતાર, યુએઈ, સાઉદી અરેબિયા અને બહેરિન જેવા દેશો પણ ઈરાનના નિશાને હતા. ઈરાને આ દેશોમાં અમેરિકી સૈનિકો રહેતા હોય તેવી હોટલો, ઈમારતોને નિશાન બનાવી હતી. ઈઝરાયેલના પાટનગર તેલ અવીવમાં શુક્રવારે સવારથી મિસાઈલની ચેતવણી આપતી સાઈરનો ગૂંજી રહી હતી. ઈરાને ઝીંકેલી મિસાઈલ્સનો એર ડિફેન્સ સીસ્ટમે ખાત્મો બોલાવી દીધો હોવાનો ઈઝરાયેલે દાવો કર્યાે છે.




