
રેલયાત્રીઓ માટે ખુશખબર!.હવે ૧૦ કલાક પહેલાં જ જાેઈ શકાશે વેઈટિંગ-RAC ટિકટનું સ્ટેટસરેલ્વે બોર્ડે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં સુધારો કર્યો છે.ભારતીય રેલ્વેની લોકપ્રિય ટ્રેનોમાં ટ્રેન રિઝર્વેશન મેળવવું મુશ્કેલ બની ગયું છે. ઘણા મુસાફરો એ આશામાં વેઇટિંગ ટિકિટ ખરીદે છે કે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરતી વખતે તેમની ટિકિટ કન્ફર્મ થઈ જશે. પરંતુ મોટાભાગના મુસાફરોની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જ રહે છે.
આવી સ્થિતિમાં, તેમને સ્ટેશનથી પોતાનો સામાન લઈને ઘરે પાછા ફરવું પડે છે. અગાઉ, જ્યારે ટ્રેન ઉપડવાના ૪ કલાક પહેલા ચાર્ટ તૈયાર કરવામાં આવતો હતો, ત્યારે લોકોને ઘણી અસુવિધા થતી હતી. તેથી, રેલ્વે બોર્ડે આ વર્ષે જુલાઈમાં ચાર્ટ તૈયાર કરવાનો સમય બદલ્યો હતો. હવે આ સમય ફરીથી બદલાયો છે. ચાલો જાણીએ આ વિશે.
ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર છે. હવે, ટ્રેન ટિકિટ રિઝર્વેશન સ્ટેટસ ૧૦ કલાક અગાઉથી ઉપલબ્ધ થશે. પહેલી વાર, રેલ્વે બોર્ડે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં સુધારો કર્યો છે. સવારે ૫:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે, પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.
બપોરે ૨:૦૧ થી ૧૧:૫૯ અને સવારે ૧૨:૦૦ થી ૫:૦૦ વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે, પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના ૧૦ કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. અગાઉ, રિઝર્વેશન ચાર્ટ ફક્ત ૪ કલાક અગાઉથી તૈયાર કરવામાં આવતા હતા, જેના કારણે છેલ્લી ઘડીના મુસાફરો માટે નોંધપાત્ર અસુવિધા અને મૂંઝવણ થતી હતી.
પહેલી વાર, રેલ્વેએ મુસાફરોને તેમની મુસાફરી અને રિઝર્વેશન સ્થિતિ વિશે અગાઉથી માહિતી આપવા અને મુસાફરો, ખાસ કરીને દૂરના સ્થળોએથી મુસાફરી કરતા લોકોની ચિંતા ઘટાડવા માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કર્યો છે.
મીડિયા સાથે વાત કરતા, રેલ્વે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મુસાફરોની સુવિધા માટે, ચાર્ટ અગાઉથી તૈયાર કરવામાં આવશે જેથી તેઓ સરળતાથી તેમની મુસાફરીનું આયોજન કરી શકે.” આ સંદર્ભમાં તમામ ઝોનલ રેલ્વે વિભાગોને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ નવા નિયમથી વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ બુક કરાવનારા મુસાફરોને ઘણો ફાયદો થશે. હવે તેઓ પોતાની ટિકિટનું સ્ટેટસ અગાઉથી જાણી શકશે અને પોતાનો સામાન લઈને સ્ટેશન પર દોડાદોડ નહીં કરવી પડે.




