
લદાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર.ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે.લદાખના લોકોનો સાથ આપવો જાેઈએ : કેજરીવાલ.લદાખમાં થયેલી હિંસા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપ સત્તાના નશામાં આવીને લોકોનો અવાજ દબાવી રહી છે. વાસ્તવમાં લદાખને રાજ્યનો દરજ્જાે આપવા તેમજ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની માંગ મુદ્દે હજારો યુવાઓ બુધવારે રસ્તા ઉપર આવી ગયા હતા, જેના કારણે લેહમાં બુધવારે ભારે હિંસા થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ભાજપ કાર્યાલયને આંગ ચાપવાની સાથે અનેક વાહનો પણ સળગાવાયા હતા. ઘટનામાં ચાર લોકોના મોત અને ૪૦ સુરક્ષા કર્મચારીઓ સહિત ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, ‘દરેક સાચા દેશભક્તે લદાખના લોકોનો સાથ આપવો જાેઈએ. આપણે અંગ્રેજાે પાસેથી એટલા માટે આઝાદી નહોતી લીધી કે જનતા અંગ્રેજાેને બદલે ભાજપની ગુલામ બની જાય.’
તેમણે કહ્યું કે, ‘લોકશાહી માટે ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારિઓએ બલિદાન આપ્યું હતું. જેના કારણે દરેક ભારતીયોને પોતાની સરકાર પસંદ કરવાનો અધિકાર મળ્યો, જાેકે આજે ભાજપ સત્તાના નશામાં એક પછી એક રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી રહી છે અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો છીનવી રહી છે.’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘લદાખના લોકો શું માંગી રહ્યા છે? તેઓ ફક્ત પોતાના વોટનો અધિકાર, સરકાર ચૂંટવાનો અધિકાર માંગી રહ્યા છે. પરંતુ ભાજપ તેમનો અવાજ દબાવી રહી છે. વારંવાર વચનો આપવા છતાં તેમને વોટનો અધિકાર આપી રહી નથી. લોકશાહી પ્રજાનો અવાજ છે અને જ્યારે સરકાર તે અવાજ દબાવે તો પ્રજાનું કર્તવ્ય છે કે, તેઓ પોતાનો અવાજ બંલુદ કરે. દેશની લોકશાહીને બચાવવી હોય તો આ તાનાશાહી વિરુદ્ધ ચૂપ ન બેસાય. આજે લદાખની લડાઈ, આવતીકાલે આખા દેશની લડાઈ બની શકે છે.’
CPI (M) અને CPI (MI) લિબરેશન સહિતના ડાબેરી પક્ષોએ હિંસા માટે ભાજપની નેતૃત્વવાળી સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે લોકશાહી માંગણીઓને સતત અવગણી રહી છે અને દમન કરી રહી છે, જેના કારણે આ સંકટ ઊભું થયું છે. સીપીઆઈ (એમ)ના નેતા એમ.એ.બેબીએ ભાજપ પર લેહ-ત્રિપુરાના લોકોને દગો આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આ હિંસા લોકોની હતાશાનું પરિણામ છે.’




