
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આજે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
બીજી તરફ આવતીકાલે સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ)નો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં થયો છે.તે ગુજરાતના રાજ્યમંત્રી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેમની પાસે અનેક વિભાગો છે. તેઓ 14મી વિધાનસભા માટે ગુજરાતના નિકોલ મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ ગુજરાત સરકારના કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગો, માર્ગ અને મકાન, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, છાપકામ અને સ્ટેશનરી (રાજ્યમંત્રી) ના રાજ્ય સ્તરના મંત્રી છે. તેઓ અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓ ઉદ્યોગ સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંયોજક રહ્યા છે. જગદીશ પંચાલે ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્માની પર્સનલ લાઈફ વિશે જો આપણે વાત કરીએ તો જગદીશ વિશ્વકર્માએ અલ્કાબેન પંચાલ સાથે લગ્ન કર્યા છે. જગદીશ પંચાલના પિતાનું નામ ઈશ્વરભાઈ વિશ્વકર્મા પંચાલ છે. જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્માએ 1998માં ઠક્કરબાપાનગરમાં બુથ ઇન્ચાર્જ તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી અને 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના નિકોલ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેઓ 2013માં ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના ઉદ્યોગ સેલના કન્વીનર હતા અને બાદમાં, તેમણે કર્ણાવતી ભાજપ, અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ MSME મંત્રાલયમાં ભાજપ ગુજરાતના રાજ્યમંત્રી તરીકે સેવા આપે છે. 20 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જગદીશ વિશ્વકર્માને માર્ગ અને મકાન રાજ્યમંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
નિકોલ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 15મી ગુજરાત વિધાનસભા માટે 55,198 મતોથી ફરીથી ચૂંટાયા. નિકોલ મતવિસ્તારમાંથી જગદીશ વિશ્વકર્મા માટે આ સતત ત્રીજી જીત હતી.
એપ્રિલ 2025માં, વિશ્વકર્માનું X એકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું. હેકરે તેમની પ્રોફાઇલ બદલીને જણાવ્યું હતું કે તેઓ “ભારતના વડા પ્રધાન” છે. સાયબર ક્રાઈમ વિભાગમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને આ બાબત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.
અમદાવાદની નિકોલ બેઠકના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. જગદીશ વિશ્વકર્માનો વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે.
જગદીશભાઈ રમત ગમત ક્ષેત્રે બેડમીન્ટન અને ક્રિકેટ રમવાના શોખીન છે. જગદીશ ભાઈ વિશ્વકર્મા મૂળ વરણાવાડા ગામના રહેવાસી છે. પિતાનું નામ ઈશ્વરભાઈ અને માતાનું નામ પાર્વતી બેન છે. તે તેમના માતા-પિતાનું ચોથું સંતાન છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના પ્રમુખો અને તેમના સમયગાળાની યાદી
* એ. કે. પટેલ: 1982થી 1985 (3 વર્ષ)
* શંકરસિંહ વાઘેલા: 1985થી 1993 ( 8 વરસ)
* કાશીરામ રાણા: 1993થી 1996 (3 વર્ષ)
* વજુભાઈ વાળા: 1996થી 1998 (2 વર્ષ)
* રાજેન્દ્રસિંહ રાણા: 1998થી 2005 (7 વર્ષ)
* વજુભાઈ વાળા: 29 મે 2005થી 26 ઑક્ટોબર 2006 (1 વર્ષ, 150 દિવસ)
* પુરુષોત્તમ રૂપાલા: 26 ઑક્ટોબર 2006થી 1 ફેબ્રુઆરી 2010 (3 વર્ષ, 98 દિવસ)
* આર. સી. ફળદુ: 1 ફેબ્રુઆરી 2010થી 19 ફેબ્રુઆરી 2016 (6 વર્ષ, 18 દિવસ)
* વિજય રૂપાણી: 19 ફેબ્રુઆરી 2016થી 10 ઑગસ્ટ 2016 (173 દિવસ)
* જીતુ વાઘાણી: 10 ઑગસ્ટ 2016થી 20 જુલાઈ 2020 (3 વર્ષ, 345 દિવસ)
* સી. આર. પાટીલ: 20 જુલાઈ 2020 થી
