
વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં રેડ કરી હતી.
આ રેડ દરમિયાન અજય માંદા પટેલ (રહે. નવેરા, તા. વલસાડ) ના નિવાસસ્થાને તપાસ કરતા દીપડો (Leopard, Panthera pardus), જે કે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022) ની અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રાણી છે, તેનું ચારેય પંજા કપાયેલ ચામડું મળી આવ્યું.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અજય પટેલે આ ચામડું સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા , ઉંમર ૪૧ વર્ષ, રહે માલઘર ,કાસદા ફળિયું તા.કપરાડા જી. વલસાડ, રહે. કપરાડા પાસેથી વેપાર હેતુસર મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતા સુરેશભાઈએ સ્વીકાર્યું કે આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવ્યું હતું.
આ રીતે ત્રણેય વ્યક્તિઓએ મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરી તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે.
સુરેશભાઈની વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલા થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હાડકાં દુડો (રેવી દેવી ઘુવડ – Barn Owl, Tyto alba) ના છે, જે પણ અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે.
આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવો મળ્યો છે.
વન વિભાગે વલસાડ ઉત્તર ગુનો નોંધ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓ વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, તથા વધુ તપાસ ચાલુ છે.
વન વિભાગ, વલસાડ ઉત્તર તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાનું વેચાણ, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતી હોય, તો તે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નં. 1926 પર જાણ કરે. આપની એક માહિતી અનેક જીવ બચાવી શકે છે.
