
પલાશ મુચ્છલને હોસ્પિટલ લઈ જવાયો પિતા બાદ સ્મૃતિ મંધાનાના મંગેતર પલાશ મુચ્છલની પણ તબિયત લથડી પલાશને વાયરલ ઈન્ફેક્શન અને ગંભીર એસિડિટીને કારણે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. લગ્નના થોડા કલાકો પહેલા જ તેના પિતા શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પરિવાર આ આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો હતો ત્યારે થોડા સમય પછી સ્મૃતિનો મંગેતર પલાશ મુછલ અચાનક બીમાર પડી ગયો અને તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
મીડિયા અહેવાલો અનુસાર, પલાશને વાયરલ ઈન્ફેક્શન અને ગંભીર એસિડિટીને કારણે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે પલાશની હાલત ગંભીર નહોતી. સારવાર પછી તેને તરત જ રજા આપવામાં આવી હતી અને હવે તે હોટેલમાં પાછો ફર્યો છે અને સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન રવિવારે બપોરે ૪:૩૦ વાગ્યે થવાના હતા, પરંતુ બપોરે ૧:૩૦ વાગ્યે સ્મૃતિના પિતાને છાતીમાં તીવ્ર દુખાવો થયો, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્મૃતિના ફેમિલી ડોક્ટર નમન શાહે જણાવ્યું કે મેડિકલ ટીમ તેના પિતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. જાે શ્રીનિવાસ મંધાનાની સ્થિતિમાં અપેક્ષા મુજબ સુધારો થાય છે, તો તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
પિતા અને ભાવિ પતિની અચાનક તબિયત બગાડતા સ્મૃતિ મંધાના ખૂબ જ ચિંતિત છે. પરિવારે લગ્ન થોડા દિવસો માટે મુલતવી રાખ્યા છે અને હાલમાં બધાનું ધ્યાન શ્રીનિવાસ મંધાનાના ઝડપી સ્વસ્થ થવા પર છે.




