
ઈટાલીમાં ચાચી ૪૨૦ જેવી ચોંકાવનારી ઘટના.મૃત માતાના પેન્શન માટે ૫૬ વર્ષનો ઠગ વર્ષો સુધી સ્ત્રી વેશમાં જીવ્યો.માતાના મૃતદેહને ઘરના એક ઓરડામાં સંતાડી દીધો અને પોતે માતાનો વેશ ધારણ કરી લીધો.કમલ હસનની મનોરંજક ફિલ્મ ‘ચાચી ૪૨૦’ની વાર્તા તો સૌને યાદ જ હશે. છૂટાછેડા બાદ પત્ની સાથે રહેતી દીકરી સાથે સમય વિતાવવા મળે એ માટે કમલ હસન એ ફિલ્મમાં સ્ત્રીવેશ ધારણ કરીને ‘ચાચી’ બનીને દીકરીની આયા બને છે. આ ફિલ્મ હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘મિસિસ ડાઉટફાયર’ની રિમેક હતી. ફિલ્મોમાં તો મનોરંજનને નામે કંઈ પણ થાય, પણ જાે એમ કહીએ કે અમુક કારણસર કોઈ પુરુષે ખરેખર સ્ત્રીવેશ ધારણ કરીને વર્ષો સુધી દુનિયાને અને કાયદાને ઉલ્લુ બનાવ્યે રાખ્યા, તો માનવામાં આવે જાે કે, આવી સાચુકલી ચારસો-વીસીની ઘટના ઈટાલીમાં બની છે.
ઈટાલીનો આ ચોંકાવનારો કિસ્સો એક એવા પુરુષનો છે, જેણે નાણાકીય લાભ મેળવવા માટે તેની સ્વર્ગવાસી માતાની ઓળખ અને રૂપ ધારણ કર્યું હતું અને વર્ષો સુધી છેતરપિંડી કરતો રહ્યો હતો. ૫૬ વર્ષના એક ઈટાલિયન પુરુષ (જેનું નામ પોલીસે જાહેર નથી કર્યું)ની વૃદ્ધ માતા નામે ગ્રેઝીએલા ડાલ‘ઓગ્લિયો ૨૦૨૨માં ૮૨ વર્ષની વયે મૃત્યુ પામ્યાં. માતાના અવસાન પછી દીકરાએ સત્તાધિકારીઓને મૃત્યુની જાણ કરવાને બદલે એક વિચિત્ર યોજના ઘડી કાઢી. તેણે માતાના મૃતદેહને ઘરના એક ઓરડામાં સંતાડી દીધો અને પોતે માતાનો વેશ ધારણ કરી લીધો. ટોપ, સ્કર્ટ અને વિગ પહેરીને, મેકઅપ કરીને, લિપસ્ટિક લગાડીને એ સમાજની નજરમાં ‘ગ્રેઝીએલા‘ બની ગયો. માતા અને દીકરા બંનેના ચહેરામાં સામ્ય હતું જ, એટલે દીકરાએ મહિલા વેશ ધારણ કર્યો અને ઘરની બહાર જવા લાગ્યો ત્યારે પડોશીઓમાં પણ કોઈ આ બનાવટ પકડી ન શક્યું.
‘ગ્રેઝીએલા‘નો વેશ ધારણ કરવા પાછળ નાણાકીય લાભ મેળવવાની લાલચ હતી. આરોપીની માતા તેમના સ્વર્ગવાસી પતિને નામે મળતા પેન્શનની હકદાર હતી, જેની રકમવાર્ષિક લગભગ ૫૩,૦૦૦ યુરો (આશરે રૂ. ૫૪.૭૯ લાખ) હતી. આ ઉપરાંત પરિવારની રિયલ એસ્ટેટ અને જમીનમાંથી પણ આવક થતી. માતાનું મૃત્યુ જાહેર કરી દેવાય તો પેન્શન મળતું બંધ થઈ જાય એમ હોવાથી દીકરાએ માતાનો વેશ ધારણ કરી લીધો. એમ કરીને તે વર્ષો સુધી છેતરપિંડી કરતો રહ્યો હતો. હવે તેના પર માતાને નામે લાખો યુરોની ગેરકાયદે આર્થિક મદદ લીધાનો આરોપ છે.વર્ષો સુધી ચાલતી રહેલી છેતરપિંડીનો ભાંડો ૧૬ નવેમ્બરના રોજ ફૂટી ગયો. ‘ગ્રેઝીએલા‘ના વેશમાં આરોપી માતાના ઓળખપત્રના નવીનીકરણ માટે બોર્ગો વર્જિલિયો શહેરની રજિસ્ટ્રી ઓફિસમાં હાજર થયો ત્યારે એક કર્મચારીને તેના પર શંકા ગઈ. કારણ એ હતું કે, ‘ગ્રેઝીએલા‘ની ગરદનના પાછલા ભાગમાં જાડા, કાળા વાળ હતા તથા હાથ અને દાઢી પર પણ છિદ્રો દેખાઈ રહ્યા હતા, જાણે ત્યાંના વાળ શેવ કરાયા હોય. નકલી ‘ગ્રેઝીએલા‘નો અવાજ તો સ્ત્રી જેવો હતો, પરંતુ ક્યારેક-ક્યારેક એના અવાજમાં પુરુષો જેવી કઠોરતા આવી જતી. રજિસ્ટ્રી ઓફિસના કર્મચારીએ પોતાની શંકાને આધારે તરત જ સ્થાનિક કાઉન્સિલ અધિકારી અને પોલીસને કૉલ કરી દીધા. આરોપીની સીધી ધરપકડ કરવાને બદલે પોલીસે સીસીટીવીમાં એની હિલચાલ તપાસી. રજિસ્ટ્રી ઓફિસની બહારના સીસીટીવીમાં દેખાયું કે આરોપી ‘મહિલા‘ કાર ડ્રાઈવ કરીને આવી હતી, જ્યારે કે સાચી ‘ગ્રેઝીએલા’ પાસે તો ડ્રાઇવિંગ લાઇસન્સ જ નહોતું. આ સાબિતીને લીધે પોલીસની શંકાને પુષ્ટિ મળી. ત્યાર પછી આરોપીને રંગે હાથે પકડવા માટે રજિસ્ટ્રી ઓફિસ દ્વારા તેને ફોન કૉલ કરીને કહેવાયું કે, ઓળખપત્રની કેટલીક વધારાની ઔપચારિકતા પૂર્ણ કરવા તેણે ફરીથી ઓફિસમાં હાજર થવું પડશે. જ્યારે આરોપી ફરી એની માતાનો વેશ ધારણ કરીને રજિસ્ટ્રી ઓફિસ પધાર્યો ત્યારે પહેલાથી જ તૈયાર બેઠેલી પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી. આરોપીએ પોલીસ સામે કબૂલ કર્યું કે તે ખરેખર ગ્રેઝીએલાનો પુત્ર છે અને તેણે નાણાકીય લાભ મેળવવા માટે જ તેની માતાનો વેશ ધારણ કર્યો હતો.આરોપીની ધરપકડ કર્યા પછી પોલીસે તેના ઘરની તપાસ કરી ત્યારે એક ભયાનક સત્ય સામે આવ્યું. પોલીસને ઘરના લોન્ડ્રી રૂમમાં એક સ્લીપિંગ બેગમાં ગ્રેઝીએલાનો મમીકૃત મૃતદેહ મળી આવ્યો! તેનું શરીર ચાદરમાં લપેટીને ત્યાં સંતાડવામાં આવ્યું હતું. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, મૃત્યુ કુદરતી કારણોસર થયું હોવાનું લાગતું હતું, પરંતુ અંતિમ નિષ્કર્ષ પોસ્ટ મોર્ટમ થયા પછી જ ખબર પડે એમ છે.
પેન્શન માટે કરેલી ઠગાઈનો આ કિસ્સો વિચિત્ર છે ખરો, પણ એકમેવ નથી. ઈટાલીમાં પેન્શનની રકમ મેળવવા માટે સગાં-સંબંધીઓના મૃત્યુને છુપાવવાના ઘણાં બનાવો બન્યા છે. ૨૦૨૩માં અબ્રુઝો ઇલાકામાં ૮૧ વર્ષના બ્રુનો ડેલ્નેગ્રોનો મૃતદેહ એક ગુફામાંથી મળી આવ્યો હતો. બ્રુનોના માસિક €૩,૦૦૦ (રૂપિયા ૩.૧ લાખ)ના પેન્શનની રકમ ચાલુ રાખવા માટે બ્રુનોના ત્રણ પુત્રો તેમના પિતાના મૃતદેહને સ્લીપિંગ બેગમાં બંધ કરીને દૂરની અવાવરું ગુફામાં મૂકી આવ્યા હતા. ઈટાલિયન સમાજમાં છાશવારે બનતા રહેતા આવા બનાવો ત્યાંની પ્રજાના નૈતિક પતનની સાબિતી આપે છે.




