
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી એ દેશની સૌથી લોકપ્રિય પ્રીમિયમ ટ્રેન સેવાઓમાંની એક, વંદે ભારત એક્સપ્રેસની કાર્યપદ્ધતિ, આધુનિક સુવિધાઓ, ઝડપ તેમજ સંપૂર્ણ યાત્રા અનુભવનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.
હાલ ભારતીય રેલવે નેટવર્ક પર 164 વંદે ભારત ટ્રેનો સંચાલિત છે, જેમાંથી 05 ગુજરાતમાં સંચાલિત થાય છે. ગુજરાતમાં ચાલનારી વંદે ભારત ટ્રેનોમાં 100% થી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે, જે તેની વધતી લોકપ્રિયતા અને મુસાફરોના ઊંડા વિશ્વાસને દર્શાવે છે.
યાત્રા દરમિયાન મુખ્યમંત્રી એ સહપ્રવાસીઓ સાથે વાતચીત કરી અને તેમનો પ્રતિસાદ જાણ્યો. મુસાફરોએ જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ અન્ય ટ્રેનોની તુલનામાં ઓછા સમયમાં અંતર કાપે છે, જેથી તેમની મુસાફરી વધુ ઝડપભરી અને આરામદાયક બને છે. મુસાફરોએ સ્વાદિષ્ટ અને ઉત્તમ ગુણવત્તાવાળા ભોજન, આરામદાયક બેઠક, સ્વચ્છ વાતાવરણ, આધુનિક ડિઝાઇન અને સમયબદ્ધતાની ખાસ પ્રશંસા કરી.
પ્રવાસીઓએ મુખ્યમંત્રી સાથે વંદે ભારત ટ્રેનને પૃષ્ઠભૂમિમાં રાખીને ફોટા પણ ક્લિક કર્યા, જેના કારણે પ્રવાસનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને યાદગાર બની ગયું.
વંદે ભારત એક્સપ્રેસ તેની વિશ્વસ્તરીય સુવિધાઓને કારણે આજના સમયમાં ભારતની સૌથી લોકપ્રિય ટ્રેન સેવાઓમાંની એક બની ગઈ છે.
તેની મુખ્ય વિશેષતાઓ—
• અત્યાધુનિક એર-કન્ડીશનિંગ સિસ્ટમ
• આરામદાયક, એર્ગોનોમિક અને રીક્લાઇનિંગ બેઠક
• ઓન-બોર્ડ માહિતી પ્રણાલી
• ઓટોમેટીક સ્લાઈડીંગ દરવાજા
• બાયો વેક્યુમ શૌચાલય
• સ્મુથ વાઇબ્રેશન ફ્રી યાત્રા
• ઉચ્ચ ઝડપથી પ્રવાસના સમયમાં ઉલ્લેખનીય ઘટાડો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ યાત્રા વંદે ભારત એક્સપ્રેસની ઉત્કૃષ્ટ ગુણવત્તા, ઝડપી ગતિ, સુરક્ષિત સંચાલન અને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. પશ્ચિમ રેલવે આધુનિક, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળી મુસાફરી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે.




