
દુબઈ-ચીન કનેક્શન ખુલ્યું. ભાવનગરમાંથી રૂ.૭૧૯ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ.આ પ્રકરણમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ.ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એ રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ક્રાઈમ ક્રેકડાઉનમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરમાંથી સંચાલિત આ રેકેટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ, આંગડિયા પેઢી અને ક્રિપ્ટોકરન્સી વોલેટ મારફતે રૂ.૭૧૯ કરોડનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં ભાવનગરની એક ખાનગી બેંકના બે કર્મચારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર દુબઈ અને ચીનની કુખ્યાત સાયબર સિન્ડિકેટ્સ સાથે જાેડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ટોળકી દેશના ૨૬ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય હતી. ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકની શાખામાં ૧૧૦ જેટલા બોગસ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ દ્વારા ભોગ બનેલા લોકોના નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં જમા થતા હતા. આ નાણાંને રોકડમાં ઉપાડી, આંગડિયા મારફતે ફેરવી અને અંતે USDT ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. આ ડિજિટલ એસેટ્સ દુબઈ અને ચીન સ્થિત ‘CIDCAT‘ સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ઓપરેટરોને મોકલવામાં આવતી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક જ નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ નેટવર્ક સાથે જાેડાયેલા મુખ્ય રાજ્યોમાં
મહારાષ્ટ્ર (૩૦૦ કેસ), તમિલનાડુ (૨૦૩ કેસ), કર્ણાટક (૧૯૪ કેસ), તેલંગાણા (૧૨૮ કેસ), ગુજરાત: (૯૭ કેસ), કેરળ (૯૧ કેસ), ઉત્તર પ્રદેશ (૮૮ કેસ) અને દિલ્હી (૭૪ કેસ)નો સમાવેશ થાય છે.
આ સિન્ડિકેટ દ્વારા મુખ્યત્વે ૮ પ્રકારના ફ્રોડ કરવામાં આવતા હતા. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, પાર્ટ-ટાઈમ જાેબ સ્કેમ, લોન ફ્રોડ, UPI સંબંધિત ફ્રોડ અને વોઈસ ફિશિંગનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા ૧૦ આરોપીઓ
પોલીસે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.
અલ્પેશ ઘનશ્યામભાઈ મકવાણા: રોકડ ઉપાડ અને એકાઉન્ટ પ્રોવાઈડર.
મહેન્દ્ર રમેશભાઈ મકવાણા: રોકડ ઉપાડ અને એકાઉન્ટ પ્રોવાઈડર.
અબુબકર અલીભાઈ શેખ (બેંક કર્મચારી): બેંક ખાતાઓની એક્સેસ આપી.
પાર્થ પ્રફુલભાઈ ઉપાધ્યાય (બેંક કર્મચારી): ગેરકાયદેસર ખાતાકીય કામગીરી.
પ્રતિક અરવિંદભાઈ વઘાણી: મ્યુલ એકાઉન્ટ અને કેશ હેન્ડલર.
વિપુલ કાળાભાઈ ડાંગર: ફંડ હેન્ડલર.
જયરાજસિંહ બળવંતસિંહ રાયઝાદા: રોકડને USDT માં કન્વર્ટ કરનાર.
ગુરુપુરબાસિંઘ સતનામસિંઘ ટાંક: દુબઈ-ચીન ફંડ ટ્રાન્સફર કરનાર.
તેજશ જિતેન્દ્રકુમાર પંડ્યા: વિદેશી ઓપરેટરો વતી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન.
દિવ્યરાજ સિંહ નરેન્દ્ર સિંહ ઝાલા: દુબઈ સ્થિત હેન્ડલર અને ચીની ગેંગ સાથેની મુખ્ય કડી.
પોલીસે આરોપીઓ પાસેથી ૩૦ મોબાઈલ ફોન અને ક્રિપ્ટો વોલેટના પાસવર્ડ સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. આગામી સમયમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે.




