
ચીને ૧૧મહિનામાં જ પોતાની મેન્યુફેકચરિંગ મહત્તા પુરવાર કરી બતાવી.ટેરિફ વચ્ચે ચીને એક ટ્રિલિયન ડોલરની ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવી.બીજી તરફ ચાલુ વર્ષે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને ૧૦૦ અબજ ડોલર્સના વિક્રમસ્તરે પહોંચી.યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન પર જંગી ટેરિફ લાદવાની પોકળ ધમકીઓ વચ્ચે ચીને સોમવારે એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત (ટ્રેડ સરપ્લસ) હાંસલ કરી હોવાની જાહેરાત કરી હતી. ચીને ૨.૬ ટ્રિલિયન ડોલર્સની આયાત સામે દુનિયાના વિવિધ દેશોમાં ૩.૬ ટ્રિલિયન ડોલર્સની નિકાસ કરી માનવ ઇતિહાસમાં એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંત નોંધાવનારો પ્રથમ દેશ બન્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં ચીનની નિકાસ વાર્ષિક ધોરણે ૫.૯ ટકા વધી હતી તેની સામે આયાત માત્ર ૧.૯ ટકા વધી હતી. આમ, ચીને પુરવાર કર્યુ છે કે મેન્યુફેકચરિંગ સુપરપાવર તરીકે તેનો કોઇ વિકલ્પ નથી. દરમ્યાન ચાલુ વર્ષે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને ૧૦૦ અબજ ડોલર્સના વિક્રમસ્તરે પહોંચી હતી. ૨૦૨૪-૨૫માં ભારતની ચીનમાંથી આયાત ૧૧૩.૪૫ બિલિયન ડોલર્સ રહી હતી તેની સામે ભારતની ચીનમાં થતી નિકાસ ઘટીને ૧૪.૨૫ બિલિયન ડોલર્સ થઇ હતી. જે ૧૦૦ અબજ ડોલર્સની વેપારખાધ દર્શાવે છે.
રસપ્રદ બાબત એ છે કે ચીન સામે જાતજાતના ટેરિફ હુંકાર કરતાં ટ્રમ્પના યુએસમાં ચીનની વેપાર પુરાંત -ટ્રેડ સરપ્લસ- ત્રીજા ભાગની એટલે કે ૩૬૦ અબજ ડોલર્સની રહી છે. આ જ રીતે યુરોપિયન યુનિયન સાથેની વેપાર પુરાંત પણ એટલી જ રહી છે. રસપ્રદ બાબત એ છે કે દુનિયાના મોટાં અર્થતંત્રો યુએસ, યુરોપિયન યુનિયન કે ભારત ચીન સામે મોટી વેપાર ખાધ ધરાવે છે.યુએસમાં ચીનની નિકાસ ગયા નવેમ્બરની સરખામણીમાં ૨૯ ટકા ઘટી હતી પણ યુરોપમાં તેની નિકાસમાં ૧૫ ટકાનો વધારો થયો હતો. ચીનની નિકાસમાં આળિકામાં ૨૬ ટકાનો, દક્ષિણપૂર્વ એશિયામાં ૧૪ ટકા અને લેટિન અમેરિકામાં ૭.૧ ટકાનો વધારો થયો હતો.ચીન ઓછા ખર્ચે ઉત્પાદનમાં તો અગ્રણી છે જ પણ હાઇટેક સપ્લાય ચેઇન્સમાં પણ તેનું પ્રભૂત્વ વધી રહ્યું હોઇ દુનિયામાં ઉત્પાદનના મામલે એક પ્રકારનું અસંતુલન સર્જાઇ રહ્યું છે. એક ટ્રિલિયન ડોલર્સની વેપાર પુરાંતને કારણે ચીનને ઘર આંગણાની આર્થિક નબળાઇઓ ઢંકાઇ ગઇ છે. ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનની અનિવાર્યતાની નોંધ લેતાં યુએસના અગ્રણી બિઝનેસ ન્યુસપેપર વોલ સ્ટ્રીટ જર્નલ અખબારે જણાવ્યું હતું કે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં શરૂઆતમાં ચીન સસ્તી વીગ અને જૂતાં તથા ક્રિસમસની લાઇટના તોરણોની નિકાસ કરતું હતું પણ આજે તે સોલર પેનલ, વીજવાહનો અને સેમી કન્ડકટર જેવા મહત્વના ક્ષેત્રોમાં પણ પ્રભૂત્વ ધરાવવા માંડયુ છે.




