
ભારત-અમેરિકા વચ્ચેના આંતરિક સંઘર્ષના મૂળમાં કરન્સી ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર રશિયા પાસેથી ક્રુડની ખરીદી માટે યુઆનમાં ફરીથી ચૂકવણી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા હોવાના સંકેત ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના પ્રભુત્વને પડકાર્યું છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને ડોલરના વિકલ્પનું સમર્થન કરવા સામે ચેતવણી આપી હતી ત્યારે ભારત, રશિયા, ચીને બ્રિક્સનું ચલણ બનાવ્યા વિના જ ટ્રમ્પના ડોલરના અભિમાનને ચકનાચુર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરીથી દાવો કર્યો કે પીએમ મોદીએ રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદવાનું ટૂંકમાં બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે.
ભારતે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં રશિયન ક્રુડ ઓઈલની ખરીદી માટે ચીનના ચલણ યુઆનમાં પેમેન્ટ કરવાનું શરૂ કરીને હોબાળો મચાવી દીધો છે. જાેકે, ભારતની કુલ ખરીદીની સરખામણીમાં ચીનના ચલણમાં થનારા પેમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું છે, પરંતુ તેનાથી ભારત તરફથી પેમેન્ટ સિસ્ટમમાં થયેલું પરિવર્તન સામે આવ્યું છે.
નિષ્ણાતો આ બાબતને ભારત, રશિયા અને ચીને બ્રિક્સનું નવું ચલણ બનાવ્યા વિના જ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડોલરના પ્રભુત્વને ખતમ કરવાના પ્રયાસ તરીકે જૂએ છે.
ભારતના આ નાના પગલાંની ભૂ-રાજકીય સ્તરે મોટી અસર જાેવા મળી છે. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં એક યુઆનની કિંમત ૧૨.૩૪ ભારતીય રૂપિયા છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે પુષ્ટી કરી છે કે ભારત હજુ પણ ક્રુડ ઓઈલ માટે મુખ્યરૂપે રશિયન ચલણ રુબલમાં પેમેન્ટ કરી રહ્યું છે, પરંતુ તેણે યુઆનનો પણ ઉપયોગ વધાર્યો છે. આ બાબત ભારત, રશિયા અને ચીનના ત્રિકોણીય ગઠબંધનને મજબૂત કરે છે, જેણે પ્રમુખ ટ્રમ્પની ડોલર ડિપ્લોમસીને મોટો ફટકો પહોંચાડયો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતની સરકારી કંપની આઈઓસીએ તાજેતરમાં જ રશિયન ક્રુડના બેથી ત્રણ કાર્ગો માટે યુઆનમાં પેમેન્ટ કર્યું છે. કેન્દ્ર સરકારનું આ પગલું ૨૦૨૩ના વલણમાં પરિવર્તનનો સંકેત આપે છે. તે સમયે ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોના પગલે સરકારી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ અટકાવી દીધું હતું જ્યારે ખાનગી રિફાઈનરીઓએ યુઆનમાં પેમેન્ટ ચાલુ રાખ્યું હતું.
જાેકે, ભારત તરફથી ચીનના ચલણમાં ફરીથી પેમેન્ટ શરૂ કરવાની બાબત એવા પણ સંકેત આપે છે કે ભારત-ચીનના સંબંધો હવે સુધરી રહ્યા છે.
હવે ભારતે રશિયન ક્રુડ ઓઈલની ખરીદી માટે યુઆનમાં પેમેન્ટ કરતા ડોલરના પ્રભુત્વને પડકાર મળશે. ભારત, રશિયા અને ચીનનો યુઆન આધારિત વેપાર તેના પહેલા તબક્કાનું વાસ્તવિક સ્વરૂપ છે. જાેકે, ભારતનો આ યુઆન પ્રયોગ ભૂ-રાજકીયના બદલે એક વ્યાવહારિક મિકેનિઝમ છે, જેથી તેને રશિયાનું ક્રુડ ઓઈલ સસ્તામાં મળી શકે અને પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી શકાય.
દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એક વખત દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી નજીકના સમયમાં બંધ કરી દેવાશે તેવું મને આશ્વાસન આપ્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ચર્ચા સમયે શુક્રવારે ટ્રમ્પે કહ્યું કે, ભારતે રશિયા પાસેથી તેની ક્રુડ ઓઈલની ખરીદી ઘટાડી દીધી છે અને નજીકના સમયમાં સંપૂર્ણપણે બંધ કરી દેશે. ભારત રશિયા પાસેથી ૩૮ ટકા ક્રુડ ઓઈલ ખરીદતું હતું અને હવે ખરીદીમાં ક્રમશ: ઘટાડો કરશે.
