
સાયકલોના ખાનગી વેચાણનો ગંભીર મામલો.જામનગરમાં ગરીબો માટેની સરસ્વતી સાધના સાયકલોનું કાળું બજાર.જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટેની આ સાયકલો માત્ર રૂપિયા ૨૫૦૦ના ભાવે ખાનગીમાં વેચી દેવામાં આવી રહી હતી.જામનગર જિલ્લામાં સરકારની મહત્ત્વાકાંક્ષી ‘સરસ્વતી સાધના યોજના‘ અંતર્ગત વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલોના ખાનગી વેચાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. જે સાયકલો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે આપવાની હતી, તેનું ખુલ્લેઆમ બારોબાર વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારાના ઘરેથી આ સરકારી યોજનાની સાયકલોનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આક્ષેપ છે કે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટેની આ સાયકલો માત્ર રૂપિયા ૨૫૦૦ના ભાવે ખાનગીમાં વેચી દેવામાં આવી રહી હતી.
આ સમગ્ર કૌભાંડ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરકારી યોજનાની વસ્તુઓનું આ રીતે અંગત લાભ માટે વેચાણ કરવું એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને તેના કારણે અનેક ગરીબ વિદ્યાર્થીનીઓ તેમના હકથી વંચિત રહી જાય છે. આક્ષેપો અનુસાર, પૂર્વ સરપંચ વલ્લભ પનારાના નિવાસસ્થાનેથી જ આ સાયકલોનું વેચાણ થઈ રહ્યું હતું. આ અંગેના પુરાવાઓ સાથે સ્થાનિક લોકોએ સમગ્ર મામલો ઉજાગર કર્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સરકારની યોજનામાં ભંગાણ અને ગેરરીતિ સામે આવતાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.




