
દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ T20I માં ૧૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની દીપ્તિ શર્મા.શ્રીલંકા સામેની ત્રીજી T20I માં દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી.ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં શ્રીલંકાની મહિલા ટીમને ૮ વિકેટથી હરાવી. હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો, જે ર્નિણયને ભારતીય બોલરોએ સાર્થ કરી બતાવ્યો.
રેણુકા સિંહે ૪ વિકેટ અને દીપ્તિ શર્માએ ૩ વિકેટ લીધી. આ સાથે, દીપ્તિ શર્માએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી,T20Iમાં ૧૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની. કોઈ પણ ભારતીય પુરુષ ક્રિકેટર આ સિદ્ધિ સુધી પહોંચ્યો નથી.
દિપ્તિ શર્માએ શ્રીલંકાની ઇનિંગ્સની પ્રથમ વિકેટ લીધી, જેમાં વિપક્ષી કેપ્ટન ચમારી અટાપટ્ટુને આઉટ કરી. ૧૨ બોલનો સામનો કરનાર અટાપટ્ટુ ફક્ત ૨ રન બનાવી શકી. ત્યારબાદ દીપ્તિ શર્માએ કવિશા દિલહારી (૨૦) ને આઉટ કરી, જે તેની ૧૫૦મી T20I વિકેટ હતી. તે T20I માં ૧૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે.
પુરુષોના ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર અર્શદીપ સિંહે પણ ૧૧૦ ટી૨૦ વિકેટ લીધી છે. દીપ્તિ શર્માએ ત્રીજી ટી૨૦ મેચમાં માલશા શેહાનીને આઉટ કરીને ત્રીજી વિકેટ લીધી. તેણીએ તેના ચાર ઓવરના સ્પેલમાં ૪.૫૦ ના ઇકોનોમી રેટથી ફક્ત ૧૮ રન આપ્યા.
ત્રીજી ટી૨૦ મેચમાં, શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે ફક્ત ૧૧૨ રન જ બનાવી શકી. લક્ષ્યનો પીછો કરતી વખતે, શેફાલી વર્માએ ૭૯ રનની શાનદાર ઇનિંગ રમી. ૪૨ બોલની આ તોફાની ઇનિંગમાં શેફાલીએ ત્રણ છગ્ગા અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા. સ્મૃતિ મંધાનાનું બેટ આજે ચાલ્યું નહીં, તે છ બોલમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ.
જેમિમાહ રોડ્રિગ્સે ૧૫ બોલમાં નવ રન બનાવ્યા, જ્યારે હરમનપ્રીત કૌર ૧૮ બોલમાં ૨૧ રન બનાવીને અણનમ રહી. ભારતીય મહિલા ટીમે મેચ ૮ વિકેટથી જીતી અને ૫ મેચની શ્રેણીમાં ૩-૦થી અજેય લીડ મેળવી.
દીપ્તિ શર્માના આંતરરાષ્ટ્રીય રેકોર્ડમાં ભારત માટે ૫ ટેસ્ટ, ૧૨૧ ODI અને ૧૩૧ T20I મેચોમાં અનુક્રમે ૨૦, ૧૬૨ અને ૧૫૧ વિકેટ લેવાનો સમાવેશ થાય છે. ૨૮ વર્ષીય ઓલરાઉન્ડરે ભારતની વર્લ્ડ કપ જીતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.




